
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં એક વ્યક્તિ પાસેથી તેની દીકરીની કસ્ટડી છીનવી લીધી છે. કારણ માત્ર એટલું જ હતું કે તે તેની આઠ વર્ષની દીકરીની કસ્ટડી દરમ્યાન એક પણ દિવસ ઘરે બનાવેલું ભોજન આપી શક્યો ન હતો. કોર્ટે આ ચુકાદો બાળકના માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપ્યો હતો.
આ કેસ કેરળ હાઈકોર્ટના તે આદેશ સાથે જોડાયેલો હતો, જેમાં માતા-પિતાને દર મહિને 15-15 દિવસ માટે બાળકીની સંભાળની વ્યવસ્થા આપવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટની ત્રણ સદસ્યોની બેન્ચ - જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાએ બાળકી સાથે વાતચીત કરી અને તેની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જાણ્યું કે પિતા દ્વારા પૂરું પાડવામાં આવેલું વાતાવરણ બાળકી માટે યોગ્ય નથી.
પિતા સિંગાપોરમાં રહેતા હતા
કોર્ટે જણાવ્યું કે ભલે પિતા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હોય, પરંતુ તેમના ઘરનું વાતાવરણ અને પરિસ્થિતિઓ બાળકી માટે યોગ્ય નથી. સિંગાપોરમાં નોકરી કરતા આ વ્યક્તિએ તિરુવનંતપુરમમાં ભાડાનું ઘર લીધું હતું અને દર મહિને પોતાની દીકરી સાથે સમય વિતાવવા માટે ત્યાં આવતા હતા.
અહેવાલ અનુસાર, જસ્ટિસ મહેતાએ ચુકાદો લખતાં કહ્યું, “રેસ્ટોરન્ટ કે હોટેલનું ભોજન સતત ખાવું પુખ્ત વયના વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક બની શકે છે. તો આઠ વર્ષની બાળકીની તો વાત જ જુદી છે. બાળકીને તેના સર્વાંગી કલ્યાણ, વિકાસ અને વૃદ્ધિ માટે પૌષ્ટિક ઘરે બનાવેલું ભોજન જોઈએ, જે પિતા દુર્ભાગ્યે પૂરું પાડી શક્યા નથી.”
કોર્ટે આ મહત્ત્વની વાત કહી
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો પિતા ઘરે બનાવેલું ભોજન આપી શકે તો આ મુદ્દે વિચારણા કરી શકાત, પરંતુ 15 દિવસની અસ્થાયી કસ્ટડી દરમિયાન બાળકીને પિતા સિવાય કોઈ સાથી મળતો નહોતો, જે તેમના કસ્ટડીના દાવાની વિરુદ્ધ એક મોટું કારણ છે. તે દરમિયાન બાળકીને તેના ત્રણ વર્ષના નાના ભાઈથી પણ અલગ રહેવું પડતું હતું, જે તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
માતા વર્ક-ફ્રોમ-હોમ કરે છે
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તે આદેશ પર પણ નારાજગી વ્યક્ત કરી, જેમાં ત્રણ વર્ષના દીકરાની દર મહિને 15 દિવસની કસ્ટડી પિતાને આપવામાં આવી હતી. કોર્ટે આને “સંપૂર્ણપણે અયોગ્ય” ગણાવ્યું, કારણ કે આટલી નાની ઉંમરે માતાથી અલગ થવાની બાળકના ભાવનાત્મક અને શારીરિક કલ્યાણ પર ગંભીર પ્રતિકૂળ અસર પડી શકે છે. કોર્ટે એ પણ માન્યું કે માતા વર્ક-ફ્રોમ-હોમ કરે છે અને તેમના માતા-પિતા તેમની સાથે રહે છે, જેથી બાળકીને ભાવનાત્મક અને પારિવારિક સહયોગ વધુ સારી રીતે મળે છે.
સુપ્રીમ કોર્ટે પિતાને દર મહિનાના વૈકલ્પિક શનિવાર અને રવિવારે દીકરીની અસ્થાયી કસ્ટડી લેવાની મંજૂરી આપી અને અઠવાડિયામાં બે દિવસ વીડિયો કોલ દ્વારા બાળકો સાથે વાત કરવાની સુવિધા આપી. કોર્ટે કહ્યું, “આ બે દિવસમાંથી કોઈ એક દિવસે પિતાને બાળકીને ચાર કલાક માટે મળવાનો અને અસ્થાયી કસ્ટડી લેવાનો અધિકાર હશે, શરત એટલી જ કે તે બાળકીને કોઈ અસુવિધા ન થાય અને આ બાળ કાઉન્સેલરની દેખરેખ હેઠળ હોય.”