
- થ્રિલ માંગે મોર
કેટલાય લોકોએ મેઘાને સમજાવ્યો કે ત્યાં જઈને કોઈ ફાયદો નથી. આવી વાતની ફરિયાદ થાણે ન હોય. પણ મેઘો ન માન્યો. તેનું તો બસ એક જ કહેવું હતું કે ‘એનું કામ છે મારી નનકુડીને ગોતી દેવાનું. હું તો જાવ છું, ગોતી જ આપવી પડશે.’
મેઘો તો ઊપડ્યો ભરવાડ પામાંથી એકલો જ ચાલતો ચાલતો પોલીસ થાણા ભણી. શહેરની એક છેડે આવેલું ભરવાડ પા ને બીજા છેડે આવેલું તાલુકા પોલીસ સ્ટેશન. મોટરસાઇકલ હતી મેઘા પાસે; પણ તેને એમ કે તેની નનકુડી રસ્તે હોય ને પોતે મોટરસાઇકલ ચલાવતી વખતે એ તરફ ધ્યાન ન આપી શક્યો તો. એટલે તેણે ચાલતા ચાલતા જ નનકુડી મળી જવાની આશામાં પોલીસ સ્ટેશનની દિશા પકડી. લાકડી ઠપકારતો, આમતેમ નજર કરતો, નનકુડીને બોલાવવા અવાજ કરતો મેઘો ચાલ્યો જતો હતો.
હજુ વહેલી સવારે જ વાડામાં નિરાવ નાખ્યો ત્યારે બધી બકરીને વહાલભરી નજરે જોઈ હતી. એ નજર પકડી લીધી હોય તેમ નનકુડીએ સામેથી મેઘા સામે જોઈને મેં…એ…એ… કર્યું હતું. અને મેઘો તેની પાસે જઈને માથા પર હાથ ફેરવી આવ્યો હતો. નનકુડી બાંધેલી નહોતી, પણ એય સમજતી હતી કે હું બોલાવીશ તો મેઘો પાસે આવશે જ. આખા વાડામાં સૌથી નાની જો હતી એ. પણ એ નાની હતી એટલે નહીં, એ સિવાયની પણ એક પણ બકરીને મેઘાએ બાંધીને નહોતી રાખી. લોકો તો તેને એ વાતે પણ કહેતા કે બાંધીને રાખ, તારે તો વધુ માલ છે. પણ મેઘો જવાબમાં કહેતો કે ‘અટલે જ તો વધુ છે. મારા માલ મારી પાસે ખુશ રે, ક્યાંય નો જાય.’
મેઘાને એ જ સમજાતું નહોતું કે કોઈ દિવસ નહીં ને આજે એના વાડામાં આવું બન્યું કઈ રીતે. ને એ પણ નનકુડી. એમ તો તેને જવાબ ખબર જ હતો, પણ તેના માનવામાં નહોતું આવતું. નવેક વાગે વાડા પાસે તે વાસીદું કરવા ગયો ત્યારે જ ઝાંપો ખુલ્લો જોઈને પાસે બેટ દડે રમતા નાતના છોકરાઓ પર તેને ગુસ્સો આવ્યો હતો. પણ છોકરાવને ખીજાવા કરતા તેણે જલ્દી વાડામાં જઈને જોયું. તેને બકરીઓને ગણવાની જરૂર નહોતી. તેણે તો સૌના નામ અને ચહેરા જોયા કોઈ બહાર તો નથી નીકળ્યું ને એ તપાસવા. પણ બરાબર નનકુડીને જ ન જોતા તે ત્યાં જ ધૂળમાં બેસી પડ્યો!
મનને કળ વળતા તેણે તરત જ આખા ભરવાડ પા અને આજુબાજુની બધી જગ્યાએ નનકુડીની ભાળ મેળવવા દોડાદોડી કરી લીધી, પણ કંઈ પરિણામ ન આવ્યું. સાથીદારો જોડાયા, સૌએ નનકુડીને ગોતી, પણ નનકુડી ક્યાંય ન દેખાઈ. આખરે મેઘાએ નક્કી કર્યું પોલીસ સ્ટેશને જવાનું. સૌએ તેને વાર્યો પણ મેઘાનું માનવું હતું કે માણસ ખોવાય તો પોલીસ પાસે જવાય, તો પછી બકરી ખોવાય તો કેમ નહીં? તે તો ચાલ્યો એકલો જ પોલીસ સ્ટેશને. ચાલતા ચાલતા તેના મનમાં એક જ વિચાર કે ઝાંપા બહાર નનકુડી નીકળી જ શું કામ હશે? નીકળી તો પાછી કેમ ન આવી? ક્યાં રહી ગઈ હશે? ક્ષેમકુશળ તો હશે ને? આ બધા વિચારોમાં મેઘાને એ નહોતું સમજાતું કે ઝડપથી ચાલવું કે ધીમે. થાણે જઈને ફરિયાદ કરવાની ઉતાવળ તો હતી જ, પણ સાથે એમય થતું કે ક્યાંક ઝડપથી ચાલશે ને નનકુડી ક્યાંક આજુબાજુ હશે તોય એ બાજુ તેની નજર નહીં જાય તો. એમાં જ એના પગલાં ક્યારેક ધીમે તો ક્યારેક બહુ ઝડપી પડતા હતા.
થોડીવારે થાણામાં પહોંચ્યો ને સીધો જ મોટા સાહેબના રૂમમાં જવા મેઘાએ જીદ પકડી. બહાર હવાલદારે તેને રોક્યો, પણ અંદર સાહેબે સાંભળ્યું ને કહ્યું કે આવી જવા દો.
‘સાય્બ, મારી નનકુડી ખોવાઈ ગઈ છે. કલાકથી ગોતું છું. આજુબાજુ બધે જોયું પણ ક્યાંય એનું ઠેકાણું મળ્યું નહીં. તમે મેરબાની કરીને ગોતી દયો ને. મને બહુ વહાલી છે ઈ સાય્બ. તમે જલ્દી શેરમાં જીપમાં આંટો મારો ને. એમ તો એનું બધું જાણીતું છે, ક્યાંય આઘે તો નહીં જ ગઈ હોય. તમને મળી જાશે. સાય્બ જલ્દી કરો ને, ઊભા થાવ ને….સાય્બ…’ મેઘો ફક્ત એક શ્વાસે જ નહીં, એક જ નજરે અને એક જ આશા ને આજીજીમાં બોલી ગયો.
પાછળ ઊભેલા હવાલદારે નજીક આવીને કહ્યું, ‘હા, સાહેબ મદદ કરશે. તું પહેલા બેસી જા. નિરાંતે વાત કર, શું થયું છે? આ નનકુડી તારી શું થાય?’
‘એમ તો મારી દીકરી થાય. હવારે જ ઈ બાર નીકળી ગઈ. ખબર નહીં ક્યાં વઈ ગઈ!’ મેઘાએ ઊભા ઊભા જ જવાબ આપ્યો.
‘એમ તો દીકરી થાય મતલબ?’ પીઆઈએ પૂછ્યું.
‘મારી તો ઈ દીકરી જ છે. આ તો બધા ઠેકડી ઉડાડે અટલે એમ તો કીધું.’
‘કેમ ઠેકડી ઉડાડે?’
‘બકરીની જાત રય ને સાય્બ. પણ હું તો એમ કવ કે આપડે ગાય ને દીકરી દોરે ત્યાં જાય એમ કઈ ને ગાય ને દીકરીને એક જેવા ગણઈ તો પછી બકરીનેય તે દીકરી કેવામાં શું વાંધો, હેં? મારી મધુય તે નનકુડીને દીકરી જ ગણે સાય્બ.’
‘ઓકે ઓકે. કેવડી છે?’
‘એકાદ જ વરહ થ્યું સાય્બ. બવ રમતિયાળ છે. આ તો છોકરાવે ઝાંપો ખોલ્યો એમાં ઇય રમવા નીકળી ગઈ હશે, બાકી મારી વગર હાલે નય ઈ. કાં મારી પાછળ, કાં મારી હારે. ક્યારેક આગળ આવીન ઊભી રય જાય ને તો હમજી જવાનું કે એને ખંજવાળાવવું છે. મારે ધરાર ઈને ડોકે ને વાંહે હાથ ફેરવી જ દેવાનો. હું ખંજવાળું ને ત્યારે ઈ કાંય મેં…એ…એ… બોલે સાય્બ.’
હવાલદારને કુતૂહલ થયું, ‘બધી બકરી મેં… જ બોલે ને એ તો.’
‘નહીં, મારી નનકુડી નોખું બોલે. ને એમાંય ખંજવાળું ત્યારે તો કાંય્ક જુદી જ ભાતનું બોલે. ઈને બવ મજા આવે ને અટલે.’
‘લે એ અલગ બોલે ને તને સમજાઈ જાય?’
‘હા, હમજાઈ તો જાય સાય્બ, પણ ઈ હમજાવી નય એકુ…’ મેઘાએ અનુભવને શબ્દોમાં ન કહી શકવાની કવિ જાતની તકલીફ દર્શાવી.
પીઆઇએ મેઘા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું, ‘જો ભાઈ, તું તારું નામ ને બધું લખાવી દે, અમે હમણાં જ શોધવા નીકળીએ. પણ જે છે એ હું સાચું તને કહું. તારી નનકુડી ખોટા દિવસે ઝાંપા બહાર નીકળી છે, ભાઈ.’
‘અટલે?’
હવાલદારે કહ્યું, ‘આજે બકરી ઈદ છે ને.’
* * * * *
વિગત લખાવીને મેઘો નિરાશ મને પાછો ઘર ભણી ચાલતો આવતો હતો. હવાલદારે કીધું એ પછી એના મનમાં વધુ બીક પેસી ગઈ હતી. ન ઇચ્છવા છતાં એક દ્રશ્ય તેની કલ્પનામાં વારંવાર આવી જતું હતું. જીવતા હોવાની આશામાં સગાંવહાલાંને જેમ મડદાઘરમાં લાશ તપાસવા જવાનું મન ન થાય, એમ જ મેઘાના પગ સામે ગલીમાં દેખાતા કસાઇવાડે જવા માની નહોતા રહ્યા. તેણે જાતને કહ્યું કે નનકુડી તો પોતાના વાડે પહોંચી ગઈ હશે ક્યારની. વાડો તો ઘર છે એનું. પાછી ઘરે આવી જ ગઈ હોય ને. પોતે જ લાગણીમાં ખોટો અધીરો થઈને થાણે દોડી આવ્યો.
આમ વિચારોમાં ખોવાયેલો તે રસ્તે ચાલી રહ્યો હતો ત્યાં જ તેના કાને મેં…એ…એ… સંભળાયું. તેની નનકુડીનો અવાજ મેઘો ન ઓળખી શકે એવો તો સવાલ જ ક્યાં હતો. તેણે પાછળ ફરીને જોયું ત્યાં માથે ગોળ ટોપી, નીચે કાળા કપડાં અને લાંબી કેસરી દાઢીવાળો એક આદમી તેની નનકુડીને તેડીને કસાઈવાડાવાળી ગલી તરફ વળી રહ્યો હતો. તેની સાથે એક એવી જ ગોળ ટોપીવાળો 6-7 વર્ષનો નાનો છોકરો ચેઇન સાથે બાંધેલા એક કાળામશ રૂંછાડવાળા, જોઈને જ વહાલ ઊભરાઈ આવે તેવા ગલૂડિયાંને દોરતો ચાલી રહ્યો હતો.
મેઘાથી નનકુડીને જોઈને રહેવાયું નહીં ને તેણે દોટ મૂકી. પણ કૂતરાની જાત ભય ને દોટને ઓળખે. તેમના ભણી આવતા મેઘાને જોઈને ગલૂડિયાંમાં જોશ આવ્યું અને તેણે બાળકના હાથમાંથી ચેઇન છોડાવીને ઘુરકિયું કરીને મેઘા તરફ દોટ મૂકી. તેને સામે આવતું જોઈને મેઘાએ મેં…એ…એ… કરી વહાલથી તેને બોલાવી રહેલી નનકુડી તરફથી નજર હટાવીને ગલૂડિયાં સામે જોયું. મેઘાને તરત જ સમજાયું કે ગલુડિયું રોકાશે નહીં તો સામે આવી રહેલી કાર તેના પર ચડી જશે. મેઘાએ જોર વધાર્યું અને છલાંગ મારીને લાલ કાર ગલૂડિયાંનો રંગ લાલ કરી નાખે એ પહેલાં એક ક્ષણના ફેરે તેને પકડી લીધું.
મેઘાએ જે કર્યું એ જોઈને કાળુંમશ ગલુડિયું તો ઉપકાર સમજીને શાંત થઈ ગયું, પણ બરાબર એ જ વખતે મેઘાનો વિરહ સહન ન થતાં પેલા કાળા કપડાવાળા આદમીની પકડ છોડાવી કૂદકો મારી ગયેલી નનકુડીને આ અંધાધૂંધીમાં બીજી દિશાએથી આવતી કારે ઝપટમાં લઇ લીધી. બસ ખાલી મેઘો જ સમજી શક્યો તેની નનકુડીનો આખરી ચિત્કાર, ‘મેં…એ…એ…!’
- દિવ્યકાંત પંડ્યા