
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ 6 ડોક્ટરોએ રાજીનામા આપ્યાં છે. બે દિવસ પેહલા પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું. જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી હતી. આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સારવારની ગુણવતા ઘટી
આ સમસ્યા નવી નથી. ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગાર, અપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. આના પરિણામે, દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે. સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાત સ્મીમેર હોસ્પિટલમા આવી પરિસ્થિતિ છે.
પ્રશ્નો ઉભા થયા
આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરી રહ્યું છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટરના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે. ત્યારે શાસકોએ વિચારવાનું રહેશે કે, એક પછી એક તબીબો આ રીતે સ્મીમેર હોસ્પિટલ છોડી રહ્યાં છે ત્યારે તેમને રોકવા માટે કેવા પગલાં લેવામાં આવે તે જોવું રહ્યું.