
ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ગુરુવારે (12 જૂન) 1:40 વાગ્યે દુઃખ ઘટના સર્જાઈ હતી. પ્લેનમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાની આપત્તિજનક સ્થિતિમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ થઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં લોકોના જીવન બચાવવા માટે રક્તદાન કરવાને લઈને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં ચાર બ્લડ ડોનેશન સેન્ટર પર લોકો બ્લડ ડોનેશન કરી શકશે.
ક્યાં બ્લડ આપી શકશે?
1. યુ.એન. મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, A-બ્લોક, પહેલા માળે, રૂમ નં.110, સંપર્ક નંબરઃ 9316732524
2. સિવિલ હોસ્પિટલ IHBT ડિપાર્ટમેન્ટ, બીજો માળ, 1200 બેડ સિવિલ હોસ્પિટલ, સંપર્ક નંબર: 9428265409
3. IKDRC બ્લડ સેન્ટર, IKDRC હોસ્પિટલ, પહેલો માળ, મંજુશ્રી મીલ રોડ, ભાલિયા લીમડી, સંપર્ક નંબર: 07922687500
4. GCRI બ્લડ સેન્ટર, પહેલો માળ, ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, સંપર્ક નંબર: 07922688026
મૃતકોની ઓળખ કરવા પરિવારના DNA સેમ્પલ લેવાશે
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, 'અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગાના (માતા-પિતા અથવા બાળકો) DNA સેમ્પલ આપી શકશે.'
DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર કસોટી ભવનમાં DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. સગા-સ્નેહીજનોને કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના 6357373831, 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.