
સુરત શહેરમાં નશાની લેનદેન પર કડક કાર્યવાહી ચલાવતા એસઓજી (SOG) પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી એક શખ્સને ૧૨૯ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે ૧૩ લાખ રૂપિયા જેટલી છે. પોલીસની માહિતી મુજબ, આરોપી બાઈક પર એમડી ડ્રગ્સ લઈ જઈ રહ્યો હતો અને તે ડ્રગ્સ વરિયાવ વિસ્તારમાં કોઈને પહોંચાડવા જતો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ત્યાં રેડ કરી હતી અને એક શખ્સને દબોચી લીધો હતો.
નેટવર્કનો પર્દાફાશ કરવા પૂછપરછ
આરોપીની ઓળખ સુફિયાન ઉર્ફે સીબુ હુસેનશેખ તરીકે થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી અગાઉ પણ એમડી ડ્રગ્સ અને દારૂના કેસોમાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે આરોપી પાસેથી બાઈક સહિત દ્રવ્ય પણ જપ્ત કર્યું છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે કે આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું અને પાછળ કોનો હાથ છે. સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે SOG દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે.
ગેંગ હોવાની આશંકા
પોલીસ દ્વારા અહીંથી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ શખ્સની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને શંકા છે કે આરોપી પાછળ મોટું નશાની ગેંગ કાર્યરત છે. પોલીસે તમામ જોડાણો અંગે તપાસ શરૂ કરી છે.