
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં એક આદિવાસી સગીરાના છેડછાડ થઈ હતી. આ કેસમાં ભોગ બનનાર પરિવારને મળવા ગયેલા સાંસદ મનસુખ વસાવાએ રાજપારડી પોલીસ અને ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ફોન કાપી નાખતા સાંસદે ગુસ્સે ભરાયા
સાંસદે જણાવ્યુ કે, રાજપારડીમાં 10થી વધુ છેડછાડની ઘટનાઓ સામે આવી હોવા છતાં, સ્થાનિક પોલીસ યોગ્ય કાર્યવાહી કરી નથી. તેમણે આરોપ મૂક્યો કે, ડીએસપી રાજપારડીના પીઆઈને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે તેમણે ડીએસપીને ફોન કર્યો ત્યારે ડીએસપીએ ફોન કાપી નાખ્યો, જેને લઈને સાંસદ ભારે ગુસ્સામાં આવી ગયા.
હપ્તા લેવાની જાણ રાખતી પોલીસને આરોપીની કેમ ખબર નથી?
મનસુખ વસાવાએ કહ્યું કે, "પોલીસને ક્યાં રેતીવાળા અને ધંધાવાળાઓ પાસેથી હપ્તો લેવો તેની તો જાણ હોય છે, તો છેડછાડ કરનાર શખ્સોની જાણ કેમ ન હોય?"તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સરકારને આવાં અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી. તેમણે પોતાનાં જ સરકાર સામે પણ નિશાન સાધતાં કહ્યું કે, "ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરનારી સરકાર આવાં અધિકારીઓનો કેમ બચાવ કરે છે?"સાંસદે દાવો કર્યો કે આદિવાસી સમાજ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે અને સ્થાનિક આગેવાનો પણ ઘટનાઓના ત્રણ દિવસ પછી સુધી ભોગ બનનાર પરિવારને મળવા ગયા નથી, જે અત્યંત નિંદનીય છે.