
સુરતમાં હાઇટેક સાઇબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે વરાછાના રહેવાસી માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયૂર ઇટાલિયાને ઝડપી લીધો છે. જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાધવાણીનો દૂરનો મામો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મયૂર ઇટાલિયાએ ઓગસ્ટ 2024થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યેશને 30થી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા, જેમાંથી એક એકાઉન્ટ તેને 6 લાખ રૂપિયામાં આપ્યું હતું. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, જેણે માત્ર ત્રણ દિવસમાં 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું, તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયૂર ઇટાલિયાએ જ આપ્યું હતું. આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, આરબીએલ, એચડીએફસી, એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ મળ્યા છે.
કેન્દ્રિય એજન્સીઓ કેસમાં જોડાશે
હાલ પોલીસે મયૂરને કોર્ટમાં રજૂ કરી 2 દિવસની રિમાન્ડ લીધી છે, જેથી પૂછપરછ કરી શકાય કે તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યાં, કોની મદદથી ટ્રાન્સફર કર્યા અને પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો. હાલમાં ED (ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ) જેવી કેન્દ્રિય એજન્સીઓને પણ આ કેસમાં જોડવામાં આવી છે.ઉધના પોલીસે આ હાઇપ્રોફાઇલ સાયબર ફ્રોડ કેસમાં વરાછા વિસ્તારના રહીશ મયૂર ઇટાલિયાને ઝડપી લીધો છે. તેની ઉંમર 40 વર્ષ છે અને તે મુખ્ય આરોપી કિરાતનો દૂરનો મામા છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસની રિમાન્ડ મંજુર કરાવી છે. હવે તપાસ અધિકારીઓએ જાણવા માંગે છે કે, આટલા બધા ફેક બેંક એકાઉન્ટ કયા માધ્યમથી મેળવવામાં આવ્યા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો.
બોગસ બેંક એકાઉન્ટનું નેટવર્ક
મયૂર ઇટાલિયાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, તેણે ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કિરાત અને ફરાર દિવ્યેશને કુલ 30 ફેક બેંક એકાઉન્ટ આપ્યા હતા. આ એકાઉન્ટની કિંમત 1 લાખથી લઈને 6 લાખ રૂપિયા સુધી હતી. આ બેંક એકાઉન્ટ બોગસ GST નંબર અને ટેક્સટાઇલ કંપનીઓના નામે ખોલવામાં આવ્યા હતા, જેથી તે જેહમત વગર વાપરી શકાય અને કોઈને શંકા ન જાય. મયૂર ઇટાલિયાએ સમગ્ર રેકેટ માટે બેન્કિંગ વ્યવસ્થાની પાયાની રચના કરી હતી. મયૂર ઇટાલિયાએ MBAની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરતો હતો. પણ સમય જતાં તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાઇબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાઈ ગયો. આટલું વાંચેલું લખેલું હોવા છતાં મયૂરે પોતાના કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો અને કરોડોનું ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી.