
કેરળના વતની 52 વર્ષીય વેણુગોપાલ મુલ્લચેરીએ દુબઈ ડયુટી ફ્રીના મિલેનિયમ મિલિયનેયર ડ્રોમાં 1 મિલિયન ડોલર (8.5 કરોડ રૂપિયા) જીતી લીધા છે. તે છેલ્લા 15 વર્ષોર્થી આ ડ્રોમાં નસીબ અજમાવી રહ્યો હતો. તે એક આઈટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે યુએઈના અજમાનમાં કાર્યરત છે.
વેણુગોપાલે જણાવ્યું છે કે, "આ વિજય મારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. આ મારા સંઘર્ષોનો અંત છે તથા એક નવી શરૂઆત છે જે આશા અને ખુશીઓથી ભરી હશે."
તેણે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત યાત્રા પછી પરત ફરતી વખતે 23 એપ્રિલે તેમણે દુબઈ એરપોર્ટ પરથી આ વિજેતા ટિકિટ ખરીદી હતી.
તેણે વધુમાં જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી ભારે દેવામાં ડૂબેલો હતો. એક નજીકના વ્યકિતએ વિશ્વાસઘાત કરતા આ દેવાની રકમ વધી ગઈ હતી. ટેન કહ્યું, "મેં તાજેતરમાં જ એક ઘર બનાવ્યું હતું અને આર્થિક તંગદિલી ખૂબ જ વધી ગઈ હતી. જે વ્યકિત પર મેં વિશ્વાસ કર્યો હતો તેણે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ સ્થિતિમાં આ જેકપોટ મારા માટે સાચો તારણહાર બનીને આવ્યો છે."
બે બાળકોના પિતા વેણુગોપાલે જણાવ્યું હતું કે, તે સૌથી પહેલા પોતાના દેવાની ચુકવણી કરશે અને પરિવારની સાથે રજાઓ માણશે. તેણે કહ્યું, "મેં હાલમાં સંપૂર્ણ યોજના બનાવી નથી પણ એક લાંબો બ્રેક લઈ પરિવાર સાથે રજાઓ પસાર કરવી જરૂરી છે."
તેણે વધુમાં જણાવ્યું હતું કે, "ત્યારબાદ હું દુબઈ પરત ફરી એક બિઝનેસ શરૂ કરવા માંગુ છું અને મારા પરિવારને અહીં બોલાવવા માંગુ છું. યુએઈ મારા હૃદયની ખૂબ જ નજીક છે હું અન્ય જગ્યાએ રહેવાની કલ્પના પણ નથી કરી શકતો."
વેણુગોપાલની આ પ્રેરણાદાયક વાર્તા હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ભારત અને ખાડી દેશોમાં લોકોને તેના સંઘર્ષ અને વિજયથી આશા અને હિંમત મળી રહી છે.