સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામે આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યારે બેફામ ઝડપે દોડતા ડમ્પરે રિક્ષાને ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા સીધી મુખ્ય માર્ગ પર પલટી ગઈ હતી. આ રિક્ષામાં બે યુવકો સવાર હતા અને ચમત્કારિક રીતે બંનેનો જીવ બચી ગયો છે. તેઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ત્યાં મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ નજીકના રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને યુવકોને રિક્ષામાંથી સલામત બહાર કાઢ્યા. સ્થાનિક લોકોએ રિક્ષાને ઉભી કરીને માર્ગને સ્વચ્છ કરવાનું પણ કાર્ય કર્યું હતું.આ ઘટના કોસંબા-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર બની છે, જ્યાં આવી બેફામ દોડતાં ડમ્પરોના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, હાલમાં જ આવા અનેક નાના-મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે અને પ્રશાસને ઠોસ પગલાં લેવા જોઈએ.