Home / Lifestyle / Health : Do this to avoid heatstroke during pregnancy

Sahiyar : ગર્ભાવસ્થામાં ગરમીથી થતી અકળામણ ટાળવા આટલું કરો

Sahiyar : ગર્ભાવસ્થામાં ગરમીથી થતી અકળામણ ટાળવા આટલું કરો

ધોમધખતી ગરમીમાં માત્ર માનવીઓ જ નહીં,પશુ-પક્ષીઓ સુધ્ધાં અકળાઈ જતાં હોય છે. આવી સ્થિતિમાં ગર્ભવતી સ્ત્રીઓને કેટલી તકલીફ પડતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. ગરમીને કારણે રક્ત પરિભ્રમણ ઝડપી બનવું,ભૂખ ઓછી લાગવી,ગભરામણ થવી,પાચન ક્રિયા મંદ પડવી,ચક્કર આવવા,થાક લાગવો જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં સગર્ભા પોતાની યોગ્ય કાળજી ન લે તો તેના સ્વાસ્થ્યને અને તેની સાથે ગર્ભસ્થ શિશુને પણ અસર પહોંચે છે. બહેતર છે કે તે નાની નાની બાબતોની કાળજી લે. જેમ કે..,

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

* સિન્થેટિક કે ચુસ્ત વસ્ત્રો પહેરવાનું ટાળે.

* ખુલતા સુતરાઉ પોશાક પહેરે.

* શક્ય એટલા કામ સવારના આટોપી લે અને બપોરે એકાદ-બે કલાક આરામ કરે. વ્યવસ્થિત રીતે આરામ કરવાથી ગર્ભસ્થ શિશુનો વિકાસ પણ સારી રીતે થશે.

* નિયમિત રીતે હળવો વ્યાયામ,પ્રેગ્નેન્સી યોગ,સવાર-સાંજ ચાલવા જવું અને ધ્યાન ધરવું માતા-શિશુના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પુરવાર થાય.

* બપોરે ઘરથી બહાર ન નીકળવામાં જ શાણપણ છે. આમ છતાં ટાળી ન શકાય એવા સંજોગોમાં તાપમાં બહાર જવાની જરૂર પડે તો આખું શરીર ઢંકાઈ જાય એવા વસ્ત્રો પહેરવા,માથું-ચહેરો દુપટ્ટા વડે ઢાંકી દેવો,આંખે ગોગલ્સ પહેરવા,ઘરથી બહાર નીકળવાથી પહેલા જ્યુસ પી લેવું,પર્સમાં પાણી અને હળવો નાસ્તો અચૂક રાખવા.

* બહારથી આવ્યા પછી તરત જે વાતાનુકૂલિત ઓરડામાં ન જવું. તેવી જ રીતે એરકંડિશન રૂમમાંથી નીકળીને તરત જ ઘરથી બહાર નીકળવું પણ જોખમી બની શકે. ઘરથી બહાર નીકળવાથી પહેલા અને ઘરે આવ્યા પછી  દસેક મિનિટ સામાન્ય ઉષ્ણતામાનમાં રહેવું જરૂરી છે.

* ગરમીના દિવસોમાં પગમાં સોજા આવવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિને અંકુશમાં રાખવા દિવસ દરમિયાન આરામ કરતી વખતે પગ નીચે ઓશિકું  મૂકવું.

* ગરમીથી થતી અકળામણમાં રાહત મેળવવા પગ પર સાદા પાણીમાં બોળેલું ટુવાલ વીંટાળી શકાય.

* દિવસમાં બે વખત સાદા પાણીથી સ્નાન કરવાથી પણ ઉકળાટ ઓછો થશે. ખાસ કરીને રાત્રે સુવા જવાથી પહેલા સ્નાન કરી લેવાથી સારી ઊંઘ આવશે.

* બાહ્ય ઉષ્ણતામાન વધવાને કારણે પુષ્કળ પરસેવો થવાથી શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે. આ સ્થિતિ સીધી જ સ્વાસ્થ્ય પર અસર કરે છે. બહેતર છે કે દિવસભરમાં ઓછામાં ઓછા ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીવામાં આવે. તેના સિવાય છાશ,લસ્સી,લીંબુ શરબત,નાળિયેર પાણી,કેરીનો પન્નો,ફળોનો રસ પણ લઈ શકાય.

* ગરમીમાં ઘરથી બહાર નીકળવાનો કંટાળો આવે તોય ડૉક્ટરની મુલાકાત લેવાનું ન ટાળવું.

- વૈશાલી ઠક્કર

Related News

Icon