
મધુને પાર્ટીમાં જોઇને હું આશ્ચર્યમાં પડી ગઇ. તેનો સુંદર ચહેરો શ્યામ અને નિસ્તેજ પડી ગયો હતો. તેને પૂછતાં ખબર પડી કે કાલે જ ગોવા ફરીને આવી હતી.
''પરંતુ ત્યાં એવું શું હતું કે તારો રંગ જ બદલાઇ ગયો?'' મેં કુતૂહલતાથી પૂછયું.
''તને શું કહું,આખો દિવસ સમુદ્રના કિનારે બેસીને તડકો ખાતાં હતાં. એ દરમિયાન ખબર જ ના પડી કે ક્યારે રંગ શ્યામ થઇ ગયો.'' મધુએ ઉદાસ થઇને જવાબ આપ્યો.
અમે બંને ત્વચા નિષ્ણાત ડો.શેઠની પાસે ગયાં. તેમણે જણાવ્યું કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલા તીવ્ર હોય છે કે ત્વચાની કોમળતાને શોષીને તેને દઝાડે છે. કેટલીકવાર તડકામાં જવાથી શરીરમાં ખંજવાળ શરૂ થઇ જાય છે અથવા એલર્જી થઇ જાય છે. તેથી તમારે તડકાથી બચવું જોઇએ.
ઉનાળો હોય કે શિયાળો સૂર્યનાં કિરણોની અસર એક સરખી જ રહે છે,પરંતુ શિયાળામાં વાતાવરણમાં ઠંકડ હોવાથી આપણને ગરમી ઓછી લાગે છે જ્યારે ઉનાળામાં સૂર્યનો તડકો સહન થતો નથી અને શરીરના ખુલ્લાં રહેતાં અંગ સૂર્યના તીવ્ર કિરણોથી દાઝી જાય છે. આની સૌથી વધુ અસર સૂકી અને ગોરી ત્વચા પર સૌથી વધુ થાય છે. કારણ કે તેમાં મેલાનિન અથવા ત્વચાનો રંગ જાળવી રાખતો પદાર્થ ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે શ્યામ ત્વચામાં વધુ મેલાનિન હોવાને કારણે સૂર્યના કિરણોની અસર થોડી મોડેથી દેખાય છે. સૂર્યનાં તીવ્ર કિરણોથી સ્કિન કેન્સર થઇ શકે છે.
''પરંતુ પહેલાનાં જમાનામાં કદાચ આવું કંઇ જોવા મળતું નહોતું. જ્યારે આજકાલ સનટેન અથવા સનબર્ન શા માટે થાય છે? મધુએ ડોક્ટરને સવાલ કર્યો.
ડોક્ટરે જણાવ્યું કે પૃથ્વીનું રક્ષણ કરનાર 'ઓઝોન'ના પડમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે,જેના કારણે ધરતી પહેલાં કરતાં વધુ ગરમ થઇ ગઇ છે. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ પ્રોગ્રામના રિપોર્ટ મુજબ જો આટલી ઝડપથી ઓઝોનનાં પડમાં ઘટાડો થતો જશે તો દુનિયામાં ચામડીના કેન્સરના દર્દીઓમાં ૨૬ ટકા વધારો થશે અને આંખો પર પણ તેની ખરાબ અસર પડશે જેને લીધે વિશ્વમાં દર વર્ષે ૧૭.૫ લાખથી પણ વધુ લોકો આંખોના મોતિયાના શિકાર બનશે.
ઔદ્યોગિક પ્રગતિ ઘણી હદ સુધી એના માટે જવાબદાર છે કારણ કે સી એફ સી એટલે કે ક્લોરીલો રોકાર્બન નામનું કેમિકલ કે જે મોટા ભાગે એરકન્ડિશનર,પ્લાસ્ટિક ફર્નિચર,હેર સ્પ્રે,રેફ્રિજરેટર વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. પૃથ્વીથી સાત માઇલ ઊંચે ઉડયા પછી વિખેરાઇને ક્લોરીન ગેસના કણ પર્યાવરણમાં ભળી જાય છે જેથી ધરતીનાં રક્ષણાત્મક ઓઝોન પડ પર તેની ખરાબ અસર પડે છે. તેના કારણે જ સૂર્યનાં તીવ્ર કિરણો સીધાં વાયુમંડળને ચીરીને આપણી ચારેબાજુ ફેલાઇ જાય છે. તેને કારણે જ આજકાલ ચામડીની ઘણી બીમારીઓ વિશે સાંભળવા મળે છે.
અચાનક ચહેરા પર કાળા ડાઘા પડવા,લાંબા સમય સુધી નીકળતાં ખીલ,શરીરનાં કોઇ પણ અંગનો રંગ બદલાઇ જવો વગેરે બાબતો ત્વચાની સૌથી મોટી પરેશાની બની શકે છે.
ફક્ત અમેરિકામાં જ દર વર્ષે ૬ લાખ વ્યક્તિ ત્વચાના કેન્સરનો ભોગ બને છે. એનું કારણ એટલું જ છે કે ઠંડા વાતાવરણને લીધે ત્યાંના લોકોને વધુ પડતા તડકામાં રહેવાનું,રમવાનું ખૂબ જ પસંદ પડે છે. ઓઝોનનું પડ ઘટવાને કારણે બીમારીઓ સામે બચવાની શારીરિક ક્ષમતા પણ ઘટી રહી છે. એટલા માટે સાધારણ સનબર્ન અથવા સનટેનથી શરૂ થઇને તે કોઇ પણ ગંભીરરૂપ લઇ શકે છે.
ડૉ.શેઠે જણાવ્યું કે વધુ લાંબા સમય સુધી સૂર્યના પ્રકાશમાં કામ કરતાં મજૂરો,ગોવાળો,ખેડૂતો,પર્વતારોહકો વગેરેમાં સૂર્યના તીવ્ર કિરણોથી દાઝી જવાનાં લક્ષણો જોવા મળે છે.
ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ત્વચા કેન્સર ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ત્વચાના સર્જન ડો. પૈરી રોબિન્સનું કહેવું છે કે સૂર્યના કિરણોથી બચવાનો સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે સાવચેતી રાખવી,જરા પણ સંકેત મળે કે તરત જ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે સારવાર માટે જવું જોઇએ.
ગોરો રંગ,સૂકી ત્વચા અને મેલાનિન ઘટી જવાથી ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. બહાર જતી વખતે અડધા કલાક પહેલાં શરીરનાં ખુલ્લાં રહેતાં અંગો પર સનસ્ક્રીન લોશન લગાવો જેથી શરીર પર સૂર્યનાં કિરણોની અસર ન પડે.
મોટા ભાગે સૂર્યના પ્રકાશમાં આંખો અંજાઇ જતી હોય છે. તેથી સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે તેવા સનગ્લાસ પહેરવા જોઇએ. ચાલીને જતાં હો તો તડકામાં આછા રંગની છત્રીનો ઉપયોગ અવશ્ય કરો.
સૂર્યનાં કિરણો ગરદનની પાછળના ભાગ પર જલદી અસર કરે છે. એટલા માટે જો શક્ય હોય તો ત્યાં ભીનો રૂમાલ મૂકો જેથી શરીરને ભીનાશ અને ઠંડક મળી રહે.
ડો.શેઠનું કહેવું છે કે જેમના માથા પર ઓછા વાળ હોય અથવા વાળ બિલકુલ ના હોય,તેમણે માથા પર સનસ્ક્રીન લોશન લગાવવું જોઇએ. આવી વ્યક્તિઓએ હેટ અથવા ટોપી પણ પહેરવી જોઇએ.
સૂર્યનાં તાપમાં સ્વિમિંગ કરવું જોઇએ નહીં. કારણ કે કિરણો પાણી,બરફ અને રેતીમાં વધુ તીવ્ર થઇ જતા હોય છે. ફરવા અને સ્વિમિંગ કરવાનો સમય સવારે ૯થી પહેલાં અને સાંજે ૫ વાગ્યા પછીનો રાખવો જોઇએ,જેથી સૂર્યનાં તીવ્ર કિરણોની ખરાબ અસરથી શરીરનો બચાવ કરી શકાય.
ચહેરાને હંમેશા ઠંડા પાણીથી ધોવો જોઇએ જેથી ગરમીની અસર ઓછી કરી શકાય.
કાચા દૂધમાં લીંબુનો રસ નાખીને મોઢુ ધોવાથી ડાઘ અને સનટેન દૂર થઇ જાય છે.
શુધ્ધ સરકો અને ગુલાબજળ સરખા પ્રમાણમાં મિક્સ કરીને રાખી મૂકો અને દિવસમાં ૧-૨ વાર લગાવવાથી ચહેરો સ્વચ્છ થઇ જશે.
કાકડીનાં પતીકાંને દૂધમાં પલાળીને મોઢા પર મશળવાથી મોઢું સાફ થઇ જાય છે.
મોઢા પર કાકડીનો રસ લગાવવાથી સનટેન ખતમ થઇ જાય છે. સાવધાન! ગરમીનો ડંકો વાગી ચૂક્યો છે,જરાં બચતાં રહેજો.