
દાડમ :
દાડમમાં સારા પ્રમાણમાં પોષક તત્ત્વો હોય છે. તે ઉનાળાનું સારું તૃષાશામક ફળ છે. દાડમ ખોરાક તેમ જ ઔષધ બંને છે.
દાડમમાં વિટામીનો એ, બી અને સી ઉપરાંત ક્ષારો, લોહ, કેલ્શ્યિમ અને ફોસ્ફરસ છે. દાડમના છોડના બધા ભાગો દવા તરીકે ઘણાં વર્ષોથી વપરાય છે.
દાડમ દરેક જાતના તાવમાં આપી શકાય છે કારણ કે તેનો રસ સહેલાઈથી પાચન થઈ શકે છે. દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે. દાડમનો રસ પીવાથી તરસ,દાહ,તાવ,ઝાડા-મરડો વગેરેમાં દવાનું કાર્ય કરેછે.
લાલ દાડમમાં લોહ પુષ્કળ હોય છે. તેથી લોહી સુધરે છે અને એનિમિયા- પાંડુમાં લાભપ્રદ છે. મીઠા દાડમનો રસ ઉલ્ટી, ચક્કર આવવા,સંગ્રહણી,લીવરની ખરાબી અને આંતરડાની નબળાઈમાં ખૂબ ઉપયોગી છે તે ઝાડાને બાંધે છે અને આંતરડાને મજબૂત બનાવે છે. નાના બાળકો માટે તે કૃમિનાશક અને લાભપ્રદ છે.
તડબૂચ :
તડબૂચ ઉનાળાનું તૃષાશામક ફળ છે. તડબૂચમાં વિટામીનો એ,સી, અને કેલ્શ્યિમ,ફોસ્ફરસ અને લોહ છે. તડબૂચ અલ્કલ ગુણો ધરાવતું હોવાથી એસીડીટી, રૂમેટીઝમ - સાંધાના દર્દોમાં ફાયદાકારક છે. તડબૂચ દાહ,પેશાબની બળતરા અને કીડનીના રોગોમાં રાહત આપે છે.
ચીકુ :
ચીકુમાં વિટામીન એ,સી અને લોહ તથા ફોસ્ફરસ છે. ચીકુમાં શર્કરાનું પ્રમાણ ઘણું છે. લોહીમાં ભળી તાજગી આપે છે. તેનાથી આંતરડામાં શક્તિ વધે છે.
આ ફળ જમ્યા પછી લેવામાં આવે તો સારો ફાયદો કરે છે. તે ઠંડુ હોવાથી ગ્રીષ્મ ઋતુમાં લાભપ્રદ છે. ચીકુ પાકા જ ખોરાકમાં લેવા જોઈએ નહીંતર પચાવવામાં ભારે પડે છે.
રાયણ :
પિત્તશામક ઠંડી અને મધુર છે. તે શક્તિવર્ધક,વીર્યવર્ધક અને વજન વધારનાર છે. પણ પાચન શક્તિ મુજબ આહારમાં લઈ શકાય. વધુ ખાવાથી પાચનમાં વિક્ષેપ થાય છે.
સક્કરટેટી :
ઉનાળામાં સક્કરટેટીનું સેવન ફાયદાકારક છે તે પાચક અને કબજીયાત મટાડનાર છે. તેમ જ પૌષ્ટિક અને શક્તિદાયક છે. તેનો સ્વાદ મધુર હોવાથી સક્કરટેટી કહેવાય છે. નદીના તટમાં તે પુષ્કળ થાય છે. તે મૂત્રલ હોવાથી પથરીના રોગમાં ફાયદાકારક છે.
લીલીદ્રાક્ષ :
લીલી દ્રાક્ષને ફળોની રાણી કહી શકાય. રોગમુક્તિ માટે બધા જ ફળોમાં દ્રાક્ષ ઉત્તમ છે. લીલી દ્રાક્ષ સહેલાઈથી પચી જાય છે. તેથી નબળા પાચન,અશક્તિ અને તાવમાં અતિ લાભપ્રદ છે.
દર્દી થોડા દિવસ એકલી દ્રાક્ષ પર રહે તો તે અસ્થમા,કિડનીના રોગો,લીવરના રોગોની સારવારમાં લાભપ્રદ છે. બાળકોને દાંત આવતી વખતે તે ઉત્તમ ખોરાક છે.
દ્રાક્ષમાં રહેલા રેષાઓ અને સર્કરા જે આર્ગનિક એસિડ છે તેને સારક બનાવે છે. તેથી તે કબજીયાત મટાડવામાં અમૂલ્ય ફળ છે.
દ્રાક્ષનો ઓર્ગેનિક એસિડ જીવાણું નાશક છે અને પરુ થતું અટકાવે છે. ડૉકટરો જણાવે છે કે બધા જ દાંત હાલતા હોય તો અને પરુ થતું હોય તો પણ દ્રાક્ષના ખોરાક પર રહેવાથી દાંત મજબૂત બને છે.
આમ, ઋતુના ફળો લેવાથી શરીરના પાચક અવયવો કાર્યરત રહે છે અને શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં જ્યારે અતિશય ગરમીમાં ભૂખ ઘટે છે અને ચેપી રોગની શક્યતા હોય છે ત્યારે ફળોના રસો પાચન વધારે છે. કુદરતી રીતે જ ઉનાળાના આ ફળો પોષક અને ઔષધીય ગુણો ધરાવે છે.