
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વાર શાળા સત્ર શરૂ થવાની સાથે જ નવો વિવાદ શરૂ થયો છે. પહેલી વખત વિદ્યાર્થીઓને ગણવેશ અને બૂટ મોજા તો આપવાનું શરૂ થયું છે. પરંતુ, હજી પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. સમિતિ પાસે પાઠ્યપુસ્તક આવી ગયાં છે. પરંતુ, સ્કૂલ સુધી પહોંચવામાં હજી થોડા સમય લાગશે તેથી હાલ શિક્ષકો સામાન્ય અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવી રહ્યાં છે.
વેકેશન પહેલા બૂટ મોજા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દર વર્ષે સત્ર શરૂ થયાના લાંબા સમય બાદ ગણવેશ અને બૂટ મોજા મળ્યા ન હોવાના કારણે વિવાદમાં આવે છે. આ વર્ષે ભાજપ શાસકોએ શાળા સત્ર શરૂ થવા સાથે જ ગણવેશ આપી દેવા માટે જાહેરાત કરી હતી. પહેલીવાર વેકેશન પડે તે પહેલાં જ ગણવેશ અને બૂટ મોજા શાળામાં પહોંચી ગયા હતા. શાળા સત્ર શરૂ થયુંને હાલ પાંખી હાજરીમાં વિદ્યાર્થીઓ આવી રહ્યાં છે અને શાળામાં ગણવેશ અને બૂટ મોજાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
પાઠ્યપુસ્તકો મળ્યા નથી
સમિતિની શાળાઓમાં ગણવેશ અને બૂટ મોજા તો પહોંચી ગયાં છે પરંતુ અન્ય એક વિવાદ બહાર આવ્યો છે. શાળામાં ગણવેશ અને બૂટ મોજા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ શાળા સુધી હજી પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. આવી અનેક ફરિયાદ વચ્ચે શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને વગર પુસ્તકે શિક્ષણ આપવા પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં હાજરી ઓછી છે પરંતુ શિક્ષકો વાંચન કે લેખન વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
શાળા શરૂ થયાને સપ્તાહ વિત્યું
સમિતિ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુસ્તક આવી ગયાં છે. પરંતુ, હજી સુધી કેટલીક શાળાઓ સુધી પહોંચ્યા નથી. આગામી સોમવાર સુધીમાં તમામ પુસ્તકો વિદ્યાર્થીઓને મળી જશે. ત્યારબાદ રાબેતા મુજબ અભ્યાસક્રમ શરૂ થઈ જશે. આમ પાલિકાની શાળામાં બૂટ મોજા અને ગણવેશ તો મળી ગયાં છે. પરંતુ સૌથી વધુ જરૂર છે, તેવા પુસ્તકો મળ્યા ન હોવાથી અનેક શાળામાં શૈક્ષણિક કાર્ય શાળા શરૂ થયાના એક સપ્તાહ બાદ શરૂ થશે.