
અમદાવાદ શહેરમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરમાં પડેલા ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદ વચ્ચે 15 થી વધારે જગ્યા પર ઝાડ પડ્યા છે. ઘી કાંટા વિસ્તારમાં ભરાયેલા પાણી વચ્ચે એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. મોટી હમામની પોળ નજીક ઇલેક્ટ્રીક પોલ પાસે પસાર થતા વ્યક્તિને વીજ કરંટ લાગતા મોત નીપજયું હતો. યુવકના મોતને પગલે સ્થાનિકોએ ફાયર બ્રિગેડ, 108 અને કોર્પોરેશનને જાણ કરી હતી.