
દક્ષિણ અભિનેત્રી અને કોરિયોગ્રાફર બિંદુ ઘોષનું 76 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે 16 માર્ચ 2025ના રોજ અંતિમ શ્વાસ લીધા. અહેવાલ મુજબ, તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. જેમાં તેમનો પરિવાર અને સંબંધીઓ હાજર રહેશે. જણાવી દઈએ કે બિંદુ ઘોષ તેમના કોમિક રોલ માટે જાણીતા હતા.
બિંદુ ઘોષ ઘણા વર્ષોથી બીમાર હતા. સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓના કારણે, તેઓ એક્ટિંગથી પણ દૂર રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હવે બિંદુ ઘોષના બાળકોએ અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરી છે. તમિલ સ્ટાર્સે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બિંદુ ઘોષ ઉંમર સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાતા હતા. બીમારીની સાથે, તેઓ આર્થિક સમસ્યાઓથી પણ પરેશાન હતા. સારવારની સાથે, તેઓ ખાવા-પીવાના ખર્ચની પણ ખૂબ ચિંતા કરતા હતા. થોડા સમય પહેલા તેમના હૃદયનું ઓપરેશન પણ થયું હતું.
મોટો દીકરો તેને છોડીને ચાલ્યો ગયો
એક ઇન્ટરવ્યુમાં, બિંદુ ઘોષે કહ્યું હતું કે તેમનો મોટો દીકરો તેમની સંભાળ નહતો રાખી શકતો અને તે તેમને છોડીને ચાલ્યો ગયો અને નાના દીકરાએ તેમની સંભાળ રાખી હતી. પણ નાના દીકરા પાસે પૂરતા પૈસા નહતા. ઘણા ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું હતું કે નાણાકીય કટોકટીને કારણે તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અભિનેતા બાલાએ પણ તેમને મદદ કરી અને 80 હજાર રૂપિયા આપ્યા. તેમના ઉપરાંત, અભિનેતા રિચાર્ડ અને રામલિંગમે પણ મદદનું વચન આપ્યું હતું.
બિંદુ ઘોષની કારકિર્દી
બિંદુ ઘોષના કરિયર વિશે વાત કરીએ તો, તેમણે ઘણી ફિલ્મોમાં નાના રોલ ભજવ્યા હતા. તેમણે ગૌંડમણિ, સેન્થિલ, રજનીકાંત, પ્રભુ અને કમલ હાસન સાથે કામ કર્યું. તેઓ છેલ્લે તેલુગુ ફિલ્મ 'ચિત્રમ ભાલારે વિચિત્રમ' (1992) માં જોવા મળ્યા હતા.