
અર્ચના પુરણ સિંહે તાજેતરમાં તેની યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો હતો, જેમાં તે તેના મિત્રો રણવીર શૌરી, વિનય પાઠક અને તેના પતિ પરમીત સેઠી સાથે મસ્તીભર્યો દિવસ વિતાવતી નજરે પડી હતી. તેઓએ જુહુ બીચ અને પૃથ્વી કાફે સહિત મુંબઈના વિવિધ લોકપ્રિય સ્થળોની મુલાકાત લીધી અને તેમના સંઘર્ષને યાદ કર્યા.
વ્લોગમાં અર્ચનાએ રણવીર અને વિનયને ઈન્ડસ્ટ્રીમાં તેમના સંઘર્ષના દિવસો વિશે પૂછ્યું, રણવીરે યાદ કર્યું કે, કેવી રીતે મોટો સંઘર્ષ ઘર બનાવવાથી લઈને બેઘર સુધીનો રહ્યો છે. તેણે કહ્યું, 'મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ખાવાનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી. અમારો સંઘર્ષ એ હતો કે અમારી પાસે રહેવા માટે અમારું પોતાનું ઘર ન હતું કારણ કે પપ્પાએ અમારું ઘર એક ફિલ્મ માટે વેચી દીધું હતું જે તેઓ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. ઘર હોવા છતાં પણ અમે બેઘર પરિસ્થિતિમાં હતા અને પછી અમે ભાડાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા પરંતુ ખાવાની ક્યારેય કોઈ સમસ્યા નહોતી. અમે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા.'
વિનયે કહ્યું, 'એવા દિવસો હતા જ્યારે પૈસા ન હતા પરંતુ એવું ક્યારેય બન્યું નથી કે અમે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું ન હોય અને અમારું શરીર હિંમત ગુમાવી બેસે. પેટ ભરવા માટે હંમેશા કોઈને કોઈ રસ્તો હતો.
રણવીર શોરી-વિનય પાઠકના તાજેતરના પ્રોજેક્ટ્સ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિનય પાઠક છેલ્લે ફિલ્મ 'આલિયા બાસુ ગાયબ હૈ' માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે રાયમા સેન અને સલીમ દિવાન હતા. તે જિઓહોટસ્ટારની સિરીઝ 'લાઈફ હિલ ગઈ' માં પણ જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેની સાથે દિવ્યેન્દુ શર્મા, કુશા કપિલા અને મુક્તિ મોહન જેવા કલાકારો જોવા મળ્યા હતા. દરમિયાન, રણવીર શોરી કેકે મેનન, કૃતિ કુલ્હારી, રસિકા દુગ્ગલ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય સાથે વેબ સિરીઝ 'શેખર હોમ' માં દેખાયો હતો, જે હાલમાં જિઓહોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.
અર્ચના મિસ બ્રિગેન્ઝા તરીકે પરત ફરશે
અર્ચના પૂરણ સિંહની વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ અભિનીત 'વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો' માં જોવા મળી હતી અને આગામી સમયમાં, તે કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયા કપિલ શો' માં જોવા મળશે, જે આ વર્ષે નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાનો છે. આ ઉપરાંત તે ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર સ્ટારર ફિલ્મ 'નાદાનિયાં' માં જોવા મળશે.