
'ડબ્બા કાર્ટેલ' અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફેમ અભિનેત્રી અંજલિ આનંદે તાજેતરમાં જ તેણીના બાળપણમાં થયેલા કેટલાક દુ:ખદાયક અનુભવો શેર કર્યાં છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એક ડાન્સ ટીચરે કેવો વ્યવહાર કર્યો અને કેવી રીતે તેના પહેલા બોયફ્રેન્ડે તેને બચાવી. પોતાના બાળપણના અનુભવ વિશે જણાવતાં અંજલિએ કહ્યું કે, "મારા એક ડાન્સ ટીચર હતા જેણે મારી સાથે ગંદી હરકતો કરવાનો પ્રયત્ન કર્યો."
આ વિશે વધુ વાત કરતા તેણે કહ્યું કે, "મને ખબર નહતી કે શું કરવું. હું આઠ વર્ષની હતી. મારા પપ્પા ગુજરી ગયા પછી તરત જ તેણે કહ્યું કે હું તારા પિતા જેવો છું અને મેં તેમના પર વિશ્વાસ કર્યો કારણ કે હું વધુ કઈ નહતી જાણતી. પછી તેમણે ખૂબ જ ધીમેથી શરૂઆત કરી. તેમણે મને હોઠ પર કિસ કરી અને કહ્યું, પિતા આ જ કરે છે. મને ખબર નહોતી કે પિતા-પુત્રીનો સંબંધ કેવો હોય છે. આ ઘણા વર્ષો સુધી ચાલતું રહ્યું અને ડાન્સ ટીચરે મારા જીવનને અસર કરી."
ડાન્સ ટીચરના વર્તન વિશે વાત કરતા તેણે કહ્યું કે, "તેઓ મને મારા વાળ ખુલ્લા નહતા રાખવા દેતા. તેઓ મને છોકરીઓના કપડા નહતા પહેરવા દેતા, તેઓ મને તેમના જૂના ટી-શર્ટ પહેરાવતા હતા જેથી હું અન્ય લોકો માટે આકર્ષક ન દેખાઉં. મારી બહેનના લગ્ન થયા અને મારા પિતાના મિત્રનો પુત્ર લગ્નમાં આવ્યો ત્યારે મને તેના પ્રત્યે ક્રશ થયો હતો. તે મારી સાથે વાત કરવા લાગ્યો. પછી મને ખબર પડી કે સ્થિતિ શું છે."
આ સમયે અંજલિ આનંદની ઉંમર કેટલી હતી? આ અંગે તેણે કહ્યું કે, "ડાન્સ ટીચરે મને છોકરા સાથે વાત કરતા રોકતા હતા અને તેઓ સ્કૂલ બહાર મારી રાહ જોતા હતા. આ બધું મારી સાથે આઠ વર્ષની ઉંમરથી 14 વર્ષની ઉંમર સુધી ચાલુ રહ્યું. આખરે મારા પહેલા બોયફ્રેન્ડે મને ભાગવામાં મદદ કરી. આ માટે મે મારા બોયફ્રેન્ડનો પણ આભાર માન્યો હતો."