
અક્ષય કુમારની ફિલ્મો વિશે દરરોજ અલગ-અલગ પ્રકારના સમાચાર બહાર આવતા રહે છે. હવે ખિલાડી કુમારની ફિલ્મ 'કેસરી 2' વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 'કેસરી 2'ના નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફિલ્મ પર તથ્યો સાથે છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું કહેવું છે કે 'કેસરી 2'માં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં રાજ્યના યોગદાનને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું નથી, જેના કારણે ફિલ્મના 7 નિર્માતાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ વિધાનનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ આરોપ લગાવ્યો છે કે અક્ષય કુમારની 'કેસરી 2' ફિલ્મમાં બંગાળના મુખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખાસ કરીને ક્રાંતિકારીઓ ખુદીરામ બોઝ અને બરીન્દ્ર કુમાર ઘોષની છબી ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ખુદીરામ બોઝને ખુદીરામ સિંહ તરીકે દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, બરીન્દ્ર કુમાર ઘોષને અમૃતસરના બિરેન્દ્ર કુમાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલા વિશે વાત કરવા માટે TMC નેતા કુણાલ ઘોષે એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે.
ઇતિહાસ સાથે છેડછાડનો આરોપ
આ ઉપરાંત 'કેસરી 2' ના નિર્માતાઓ પર રાજ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા ઐતિહાસિક તથ્યોને તોડી મરોડી રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મ દ્વારા બંગાળના સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કુણાલ ઘોષના મતે, આ ફક્ત ભૂલ નથી. આ આંદોલનમાં બંગાળની ભૂમિકાને ભૂંસી નાખવાનું કાવતરું છે. ફિલ્મ અંગે પ્રશ્નો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે આવી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું?
'કેસરી 2' પર કાર્યવાહીની માંગ
કુણાલ ઘોષે એવો પણ દાવો કર્યો છે કે નિર્માતાઓએ ફિલ્મમાં તેના પાત્રને કથિત રીતે કૃપાલ સિંહ નામના કાલ્પનિક પાત્રથી બદલી નાખ્યું છે. ટીએમસીના નેતાઓએ કેન્દ્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ફિલ્મનું નામ લીધા વિના ફિલ્મ નિર્માતાઓની ટીકા કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું, "સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળી ક્રાંતિકારીઓએ ભજવેલી ભૂમિકાને ઓછી આંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે આની નિંદા કરીએ છીએ."