
ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' (Kantara) ની પ્રિકવલ, 'કાંતારા ચેપ્ટર 1' (Kantara Chapter 1) સતત હેડલાઈન્સમાં છે. ફિલ્મની ટીમ સાથે દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે. એક મહિના પહેલા, એક જુનિયર આર્ટીસ્ટનું નદીમાં ડૂબવાથી મૃત્યુ થયું હતું અને 14 જૂને, શૂટિંગ સ્થાન પર એક મિમિક્રી આર્ટીસ્ટનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. હવે સમાચાર આવ્યા છે કે ઋષભ શેટ્ટી સહિત 30 ક્રૂ મેમ્બર્સથી ભરેલી હોડી પલટી ગઈ છે. જોકે આ અકસ્માતમાં કોઈને કોઈ નુકસાન થયું નથી, પરંતુ લોકોના મનમાં ફિલ્મ અને તેના શૂટિંગ સ્થાન વિશે ચોક્કસ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, શિવમોગા જિલ્લાના મસ્તી કટ્ટે વિસ્તારમાં મણિ જળાશયમાં શૂટિંગ દરમિયાન, લગભગ 30 ક્રૂ મેમ્બર્સથી ભરેલી હોડી પલટી ગઈ. ઋષભ શેટ્ટી સહિત બોટ પરના બધા લોકો સુરક્ષિત રીતે બચી ગયા. રિપોર્ટ મુજબ, આ ઘટના જળાશયના છીછરા ભાગમાં બની હતી.
ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે, પરંતુ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાતા કેમેરા અને અન્ય સાધનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી તીર્થહલ્લી પોલીસે પુષ્ટિ આપી હતી કે બોટ પરના બધા લોકો સુરક્ષિત છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.
ફિલ્મ સાથે સંકળાયેલા 3 લોકોના મોત થયા
14 જૂનના રોજ, અભિનેતા અને મિમિક્રી આર્ટીસ્ટ કલાભવન નીજુનું છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મૃત્યુ થયું હતું. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ દુઃખની વાત છે કે તેમનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. ફિલ્મના નિર્માણ સાથે સંબંધિત આ ત્રીજું મૃત્યુ હરું. મે મહિનામાં, આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અભિનેતા અને હાસ્ય કલાકાર રાકેશ પૂજારીનું લગ્નમાં હાજરી આપતી વખતે હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. આ ઉપરાંત, 32 વર્ષીય જુનિયર આર્ટીસ્ટ એમએફ કપિલ કર્ણાટકમાં એક ફિલ્મ પર કામ કરતી વખતે સૌપર્ણિકા નદીમાં ડૂબી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.