
- કોમેડી પછી દેવેન હવે ક્રાઇમ ડ્રામા કરશે . 'બ્લેક,વ્હાઇટ એન્ડ ગ્રે: લવ કિલ્સ' નામના વેબ શોમાં એ ભેદી માણસના સ્વરુપમાં જોવા મળશે
ભાઅમુક કલાકારો એવાં છે જેઓએ ફિલ્મ, ટીવી, ઓટીટી એમ ત્રણેય માધ્યમોમાં ઉજળી સફળતા મેળવી છે. દેવેન ભોજાણી આવું જ એક નામ છે. આ ગુજરાતી કલાકાર જેટલો મજેદાર અભિનેતા છે એટલો જ પ્રતિભાશાળી દિગ્દર્શક પણ છે. લેટેસ્ટ સમાચાર એ છે કે દેવેન ભોજાણી હવે 'બ્લેક,વ્હાઇટ એન્ડ ગ્રે : લવ કિલ્સ' નામના ટીવી શો માં થોડા નવા અંદાજમાં આવી રહ્યો છે. એટલે કે દેવેન ભોજાણી હવે થોડોક બેબાક, થોડોક શંકાસ્પદ, થોડોક ડર લાગે તેવી ભૂમિકા ભજવવાનો છે. ફોડ પાડીને કહીએ તો આ ટીવી શો નાં સૂત્રોના કહેવા મુજબ દેવેને તેની કારકિર્દીમાં હજી સુધી આવું પાત્ર નથી ભજવ્યું.
દેવેન ભોજાણી કહે છે, મારો આ ટીવી શો ઓટીટી પર રજૂ થવાનો છે. બ્લેક,વ્હાઇટ એન્ડ ગ્રે : લવ કિલ્સ ટીવી શો આમ તો ક્રાઇમ ડ્રામા છે. આ ટીવી શો નો નિર્માતા હેમલ ઠક્કર મારો જીગરી દોસ્ત છે. અમે બંનેએ ઘણાં ગુજરાતી નાટકોમાં સાથે કામ કર્યું છે. એટલે હેમલે મને તેના આ નવા ટીવી શો ના ખાસ પાત્ર માટે આમંત્રણ આપ્યું ત્યારે મેં તરત જ હા કહી. જોકે હેમલે મને મારી ભૂમિકા વિશે થોડીક વિગતો જરૂર આપી હતી. ત્યારબાદ અમે આ ટીવી શો ના દિગ્દર્શક પુષ્કર મહાબલને પણ રૂબરૂ મળ્યા ત્યારે તેણે મને મારી ભૂમિકા વિશે સ્પષ્ટતા કરી હતી.
આ ક્રાઇમ ડ્રામામાં મારી ભૂમિકા થોડીક અલગ અને અનોખી છે. એટલે કે દર્શકોએ હજી સુધી મને કાં તો કોમેડી કરતાં અથવા પારિવારિક ભૂમિકામાં જ જોયા છે. બ્લેક વ્હાઇટ એન્ડ ગ્રે શોમાં તો મારું પાત્ર વિવિધરંગી છે એમ કહું તો ખોટું નથી. મારા પાત્રનાં વાણી-વર્તન એમ કહો કે થોડાં ચિત્રવિચિત્ર છે. મારું પાત્ર ક્યારે, કોની સાથે, કેવું વર્તન કરશે તે કોઇ કહી ન શકે. શરૂઆતના તબક્કે તો દિગ્દર્શકને અને ક્રિએટીવ ટીમને ખચકાટ હતો કે હું આવી ભૂમિકા માટે હા કહીશ કે કેમ. કારણ એ હતું કે મેં મારી અભિનય કારકિર્દીમાં આવું થોડાક વિચિત્ર અને સમજી ન શકાય તેવું વ્યક્તિત્વ ધરાવતું પાત્ર ક્યારેય ભજવ્યું નથી. જોકે મારા અને હેમલ ઠક્કરના ગાઢ સંબંધથી મેં આ ભૂમિકા સ્વીકારી છે.
લોકપ્રિય બનેલી ટીવી સિરિયલ માલગુડી ડેઝ (૧૯૮૭)થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનારો દેવેન ભોજાણી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મેં આમ તો અત્યાર સુધીમાં મોટાં અને મહત્વનાં કહી શકાય તેવાં પાત્રો જ ભજવ્યાં છે. જ્યારે બ્લેક, વ્હાઇટ એન્ડ ગ્રે : લવ કિલ્સ ટીવી શો માં મારી ભૂમિકા આછેરી શંકાસ્પદ છે. સાથોસાથ થોડીક નાની પણ છે. હું જોકે સ્પષ્ટપણે એમ માનું છું કે કોઇપણ અભિનેતા કે અભિનેત્રીએ તમામ પ્રકારનાં પાત્ર ભજવવા સદાય તૈયાર રહેવું જોઇએ. આમ પણ કોઇ ભૂમિકા ક્યારેય નાની કે મોટી નથી હોતી. પાત્રનું સ્વરૂપ અને તેની અસર કેવી છે તે બાબત મહત્વની ગણાય. વળી, આવી ભૂમિકા તો આખી ફિલ્મ કે ટીવી સિરિયલના કેન્દ્રમાં પણ હોય છે. આખી ફિલ્મ કે ટીવી સિરિયલ પેલા નાના પણ જબરા અસરકારક પાત્ર ફરતે ફરતી હોય છે.
દેખ ભાઇ દેખ, શ્રીમાન શ્રીમતી, એક મહલ હો સપનોં કા, ખીચડી, બા બહૂ ઔર બેબી, સારાભાઇ વર્સીસ સારાભાઇ વગેરે ટીવી સિરિયલોમાં વિવિધ અને લોકપ્રિય પાત્રો ભજવનારો દેવેન કહે છે, બ્લેક, વ્હાઇટ એન્ડ ગ્રે : લવ કિલ્સ ટીવી શો ઓટીટી પર રજૂ થવાનો છે. મેં આમ તો સ્કૂપ, તાઝા ખબર વગેરે ઓટીટી સિરિયલમાં કામ કર્યું છે. મારા અનુભવ મુજબ ઓટીટી પ્લેટફોર્મ પર કલાકારને વિવિધતાસભર અને બહોળી તક મળે છે. વળી, ઓટીટી પર ઘણા વિશિષ્ટ, પડકારરૂપ, મજેદાર પ્રયોગો પણ થયા છે અને સફળ પણ રહ્યા છે.
જો જીતા વોહી સિકંદર, અંદાજ, ક્રાંતિક્ષેત્ર, અગ્નિપથ, ડંકી વગેરે હિન્દી ફિલ્મોમાં પણ જુદાં જુદાં પાત્ર ભજવનારો દેવેન ભોજાણી કહે છે, મારી ટીવી સિરિયલ બા ,બહુ ઓર બેબી-- માં મેં ગુટ્ટુનું પાત્ર ભજવ્યું .આ સિરિયલને અને મારા ગુટ્ટુના પાત્રને બહોળી પ્રસિદ્ધિ મળી હતી. મને પણ આનંદ થયો હતો. જોકે બન્યું એવું કે ત્યારબાદ મને ગુડ્ડુ જેવાં જ પાત્રોની ઘણી બધી ઓફર મળી. હું ગુડ્ડુ બની રહેવા જરાય ઇચ્છતો નહોતો.
બીજીબાજુ ઓટીટી પ્લેટફોર્મ પર તો જાતજાતના અને ભાતભાતના પ્રયોગો થયા છે. હજી થઇ રહ્યા છે. શૂટિંગ બે - ત્રણ મહિનામાં જ પૂરું થઇ જાય છે. અભિનેતાને અને અભિનેત્રીને વિવિધ પ્રકારના અને પ્રયોગશીલ કહી શકાય તેવાં પાત્ર મળી રહ્યાં છે. ખુશી તો એ બાબતની છે કે ઓટીટી પર લગભગ ભૂલાઇ ગયેલાં એવાં ઘણાં કલાકારોને તક મળી રહી છે.