
દિવ્યાંકા-વિવેક: સબ સલામત!
થોડા દિવસ પહેલા અભિનેતા વિવેક દહિયા વિમાન મથકે અનાયરા ગુપ્તા સાથે દેખાતા જ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું. સોશ્યલ મીડિયા પર એવી વાતો વહેતી થઈ કે વિવેકના જીવનમાં કોઈક નવી સુંદરીનું આગમન થયું છે. સાથે સાથે લોકો એમ પણ કહેવા લાગ્યાં કે દિવ્યાંકા અને વિવેક નવ વર્ષના વિવાહિત જીવન પછી છૂટાં પડી રહ્યાં છે. વાત જ્યારે વધી પડી ત્યારે છેવટે વિવેકે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ બધી વાતો સદંતર ખોટી છે. જ્યારે એરપોર્ટ પરનો વીડિયો વાઇરલ થયો ત્યારે અમે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહ્યાં હતાં. તે વખતે અમે કેરળમાં હતાં. આ વીડિયો જોઈને મને હસવું આવ્યું હતું. મને એમ થયું કે લોકો પણ કેવી નકામી વાતો કર્યાં કરતાં હોય છે. હું અને દિવ્યાંકા આવી વાતોને જરાય મહત્વ નથી આપતાં. અમારો સંસાર સુખરૂપ ચાલી રહ્યો છે. લોકો અમારા વિશે ભલે ગમે તે કહે, અમે તેમની વાતો પરિપક્વ બનીને અવગણી દઈએ છીએ.
વિનીત રૈના: 'સાંઈબાબા'ના રોલમાં
તાજેતરમાં રજૂ થયેલી ધાર્મિક-આધ્યાત્મિક ધારાવાહિક 'શિર્ડીવાલે સાંઈબાબા'માં વિનીત રૈનાને ટાઇટલ રોલ ભજવવાની તક મળતાં તેની ખુશી સમાતી નથી. તે પોતાને આ કિરદાર ભજવવા બદલ ભાગ્યશાળી માનતા કહે છે કે હકીકતમાં મારા માટે આ આશિર્વાદ છે. સાંઈબાબાની કરૂણા અને શ્રધ્ધા વિષયક શીખ મને હમેશાં પ્રેરણા આપતી રહી છે. અને હવે આ શિક્ષણ દર્શકો સમક્ષ રજૂ કરતી વખતે હું ગૌરવ અનુભવું છું. મને આ શોના સર્જકોએ સાઇં બાબાની દિવ્યતા પડદા પર દર્શાવવાનો અવસર આપ્યો તે મારા માટે એક આધ્યાત્મિક યાત્રા સમાન છે. મારા માટે આનાથી મોટું સન્માન બીજું ક્યું હોઈ શકે? આ પાત્રના માધ્યમથી હું દર્શકોના જીવનમાં આશા, શાંતિ અને સકારાત્મક્તા ફેલાવવાનો પ્રયાસ કરવામાં જરાય કચાશ નહીં રાખું.
કરણ મેહરા બન્યો એન્કર
ટચૂકડા પડદે લાંબા વર્ષોથી ચાલી રહેલી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં એક તબક્કે 'નૈતિક'ની ભૂમિકા ભજવીને લોકપ્રિયતાના શિખરો સર કરનાર અભિનેતા કરણ મેહરાએ ઘણાં સમય પછી ટચૂકડા પડદે વાપસી કરી છે. મહત્વની વાત એ છે કે આ વખતે અભિનેતા દૂરદર્શન પર તદ્દન નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. કહેવાનો અર્થ એ છે કે તે દૂરદર્શન પર આવતાં શાસ્ત્રીય સંગીતને લગતા રીઆલિટી શો 'વાહ ઉસ્તાદ'નું સંચાલન કરી રહ્યો છે. અભિનેતાએ આ બાબતે કહ્યું હતું કે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માંથી નીકળ્યા બાદ મેં મ્યુઝિક વીડિયોઝ બનાવવા ઉપરાંત ગયા વર્ષે ગાયકી ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું. અલબત્ત, કોઈ શોનું સંચાલન કરવું મારા માટે એકદમ નવું ક્ષેત્ર છે. અમે માત્ર સંગીત પર ફોકસ કરીએ છીએ. આ શો 'વેવ્ઝ ૨૦૨૫' હેઠળના 'ક્રીએટ ઈન ઇન્ડિયા ચેલેન્જ સીઝન-૧'નો ભાગ છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે કરણે અત્યાર સુધી પોતાની દરેક સીરિયલમાં 'સજ્જન'ની ભૂમિકાઓ ભજવી છે. પણ હવે તેને નેગેટિવ પાત્રો ભજવવાની ઇચ્છા છે.
ભાવિકા શર્મા: જૂનો શો નહીં કરું
એક તબક્કે ટીઆરપીમાં મોખરે રહેલી ધારાવાહિક 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં બીજી વખત લીપ આવ્યા પછી દર્શકો તેનાથી દૂર થઈ રહ્યાં છે. વર્તમાન લીપ પછી આ શો ટીઆરપી માટે ફાંફાં મારી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાતાં એવી વાતો વહેતી થઈ હતી કે પાછલા લીપમાં અત્યંત લોકપ્રિય બનેલી અભિનેત્રી ભાવિકા શર્મા શોમાં પરત ફરી રહી છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે પાછલ લીપમાં 'સઈ ચવાણ' (ભાવિકા શર્મા) અને 'રજત ઠક્કર' (હિતેશ ભારદ્વાજ)ની જોડી દર્શકોને ખૂબ પસંદ પડી હતી. શોમાં તેમના સંબંધોમાં આવેલા અવિરત ઉતાર-ચઢાવ પછી સ્ટોરીને હેપ્પી એન્ડિંગ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ વર્તમાન લીપ ખાસ જામી નથી રહ્યો તેથી ભાવિકા શર્માની પરત ફરવાની વાતો વહેતી થતાં દર્શકો ખુશ થઈ ગયા હતાં. પરંતુ અદાકારાએ આ અફવાઓ પર ટાઢું પાણી રેડતાં કહ્યું હતું કે હું આ શોમાં પાછી નથી ફરી રહી. જોકે તે એમ કહેવાનું નહોતી ચૂકી કે આ ધારાવાહિક મારા હૃદયની નિકટ છે. અને મને તેમાં પરત ફરવાનું ચોક્કસ ગમશે.પરંતુ આ શોના સર્જકોએ આ બાબતે મારો સંપર્ક નથી કર્યો.