
સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના અને રણવીરનો વિવાદ હજી શાંત નથી થયો, ત્યાં કાનપુરના કોમેડિયન હર્ષ ગુજરાલે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે. હર્ષ ગુજરાલે પોતાના કોમેડી શોમાં ઓપરેશન સિંદૂર મુદ્દે બિહાર અને બિહારના લોકો પર ટિપ્પણી કરતા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેનો પટનાનો શો રદ કરવા અને બહિષ્કાર કરવાની માંગ કરી છે. ગુજરાલ 23 મેથી 26 જુલાઈ સુધી 22 શહેરોમાં 'જો બોલતા હે, વહી હોતા હે.' કોમેડી શો કરવા જઈ રહ્યો છે. જેમાં 7 જૂનના રોજ પટનામાં શો છે.
ગુજરાલ પર બિહારના અપમાનનો આરોપ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદૂર મુદ્દે હર્ષ ગુજરાલે ત્રણ દિવસ પહેલા જય હિન્દ નામથી એક કોમેડી શોનો વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં ગુજરાલે કહ્યું કે, "બ્લેકઆઉટથી ભારત ભયભીત થઈ રહ્યું છે. બિહારમાં લોકો બ્લેકઆઉટ જોવા માટે બહાર ઉમટી પડ્યા હતા. બિહાર વધુ મુર્ખ કોમ આખા દેશમાં નથી. બિહારમાં એક જણ બીજાને મળીને કહે છે કે, અંધારું જોવા આવ્યો છું. અંધારાનું મુખ્ય કામ છે, કોઈ દેખાય નહીં. જ્યારે આ લોકો તેને જોવા ગયા. અંધારાને પોતાના અસ્તિત્વ પર શંકા ગઈ. અંધારું જોવા પહોંચી ગયા એક માણસને પૂછ્યું કે, બ્લેકઆઉટ શું છે ખબર છે? તો કહે ભાઈ કેચઆઉટ વિશે સાંભળ્યું છે મેં, પણ બ્લેકઆઉટ કોણ આપે છે? મેં કહ્યું થર્ડ એમ્પાયર. બ્લેક આઉટ."
અગાઉ પણ વિવાદોમાં ફસાયો
બોલિવૂડ સ્ટાર્સ અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' માં કામ કરી ચૂકેલો હર્ષ ગુજરાલ પહેલા પણ વિવાદોમાં ફસાયો હતો. તેણે એક વખત પોતાના એક્ટમાં કહ્યું હતું કે, 6000માં તો રશિયન આવી જાય છે, આ વાત કરી કોલગર્લની ખુલ્લેઆમ વાત કરવા બદલ વિવાદ સર્જાયો હતો. એક શોમાં મહિલા દર્શક સાથે ગેરવર્તૂણક કરવા બદલ પણ ગુજરાલની ટીકા થઈ હતી. કોમેડી શો 'ઈન્ડિયા ગોટ લેટેન્ટ' માં ખરાબ અને અશ્લીલ વાતો કરવા બદલ રણવીર અને સમય રૈના પર કેસ થયો ત્યારે હર્ષ ગુજરાલે પોતાનો કોમેડી શો 'ધ એસ્કેપ રૂમ' ડિલિટ કર્યો હતો. ત્યારે તેના માત્ર બે વીડિયો આવ્યા હતાં. જેમાં અશ્લીલ વાતો કહી હતી.