
90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક અનુ અગ્રવાલ પણ હતી, જેને 1990માં રિલીઝ થયેલી ફિલ્મ 'આશિકી' થી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મે તેને તે સમયની સૌથી ડિમાન્ડિંગ અભિનેત્રી બનાવી હતી, પરંતુ શું તમે જાણો છો કે તેને આ સુપર હિટ ફિલ્મ માટે આજ સુધી પૂરી ફી નથી મળી.
મહેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'આશિકી' એ અનુ અગ્રવાલ અને રાહુલ રોયને દર્શકોના પ્રિય બનાવ્યા હતા. અનુને સૌથી વધુ લોકપ્રિયતા મળી. પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેને આ ફિલ્મ માટે સંપૂર્ણ ફી ચૂકવવામાં નહતી આવી. તેને તેની ફીનો માત્ર 60 ટકા ભાગ જ મળ્યો હતો.
અનુને 'આશિકી' માટે પૂરી ફી ન મળી
એક ઇન્ટરવ્યુમાં, અનુ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે શું તેણે કોઈ એવો અનુભવ કર્યો છે જેમાં મેકર્સે ક્રૂને આપેલું વચન પૂરું ન કર્યું હોય. આ અંગે અભિનેત્રીએ પોતાના જૂના દિવસો યાદ કરતા કહ્યું, "મને આજ સુધી 'આશિકી' ની પૂરી ફી નથી મળી. મને કુલ રકમના માત્ર 60 ટકા જ આપવામાં આવ્યા છે. તેમણે હજુ સુધી મને 40 ટકા ચૂકવવાના બાકી છે."
અનુએ મેકર્સ પાસેથી બાકીની ફી નથી માંગી
જ્યારે અનુ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે શું તેણે તેના બાકીના પૈસા પાછા માંગ્યા છે, ત્યારે અભિનેત્રીએ કહ્યું, "ના, કોઈ વાંધો નથી. મેં ઘણા પૈસા કમાયા છે. મેં મોડેલિંગથી ઘણી કમાણી કરી છે. હું બ્રાન્ડ એમ્બેસેડર બની. હું ભારતની પ્રથમ અભિનેત્રી બ્રાન્ડ એમ્બેસેડરમાંની એક છું. તે સમયે, કોઈ અભિનેતા નહીં ક્રિકેટર બ્રાન્ડ એમ્બેસેડર બનતા હતા. તો કોઈ વાંધો નથી. આ તેમને મારી ગિફ્ટ છે."
એક અકસ્માતે બધું છીનવી લીધું
'આશિકી' પછી અનુ અગ્રવાલ એટલી સફળ થઈ ગઈ કે મેકર્સ તેને પોતાની ફિલ્મોમાં સાઈન કરવા માટે ઉત્સુક હતા. પરંતુ 1999માં એક ભયંકર કાર અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું. તેણે પોતાની યાદશક્તિ પણ ગુમાવી દીધી હતી. બાદમાં, તે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ કર્યો. તેણે 'કિંગ અંકલ', 'ગજબ તમાશા' અને 'તિરુદા તિરુદા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.