
તાજેતરમાં વિરાટ કોહલીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ટીવી એક્ટ્રેસ અવનીત કૌરની ગ્લેમરસ તસવીર લાઈક કરવામાં આવી હતી. જેના કારણે લોકો કોહલીને એટલી હદે ટ્રોલ કરી રહ્યા હતા કે ક્રિકેટરે આ મામલે એક સ્ટોરી મૂકીને સ્પષ્ટતા કરવી પડી હતી. એવામાં સિંગર રાહુલ વૈદ્યએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેના કારણે વિરાટના ફેન્સ ભડક્યા છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
વિરાટના ફેન્સ સિંગર રાહુલ વૈદ્ય પર ભડક્યા
સિંગર રાહુલ વૈદ્ય, જેને ગયા વર્ષે વિરાટ કોહલી દ્વારા સોશિયલ મીડિયા પર બ્લોક કરવામાં આવ્યો હતો, તેણે આ મામલા પર કટાક્ષ કરતા એક વીડિયો શેર કર્યો છે. આ સાથે, તેણે પોતાની સોશિયલ મીડિયા સ્ટોરીમાં વિરાટ કોહલી અને તેના ફેન્સને જોકર પણ કહ્યા છે. જેના કારણે વિરાટના ફેન્સ તેની પત્ની અને બહેનને ગાળો આપી રહ્યા છે.
જાણો રાહુલ વૈદ્યએ શું કહ્યું?
રાહુલે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે કહ્યું કે, "હું કહેવા માંગુ છું કે આજ પછી એવું બની શકે છે કે અલ્ગોરિધમ ઘણા બધા ફોટો લાઈક કરી દે, જે મેં નથી કર્યા. તો જે પણ છોકરી હોય, કૃપા કરીને તેના વિશે પીઆર ન કરો કારણ કે તે મારી ભૂલ નથી. તે અલ્ગોરિધમની ભૂલ છે, ઠીક છે?"
રાહુલ વૈદ્ય અહીં જ અટક્યો નહીં, તેણે બીજો વીડિયો શેર કરતા કહ્યું, "તો મિત્રો, વિરાટ કોહલીએ મને બ્લોક કરી દીધો છે, તમે બધા જાણો છો. તો મને લાગે છે કે તે પણ અલ્ગોરિધમની ભૂલ હશે, હકીકતમાં વિરાટ કોહલીએ મને બ્લોક ન કર્યો હોય. અલ્ગોરિધમે વિરાટ કોહલીને કહ્યું હશે કે, એક કામ કરો, હું તમારા વતી રાહુલ વૈદ્યને બ્લોક કરીશ. ખરું ને?"
વિરાટના ફેન્સને કહ્યા જોકર
બે વીડિયો પોસ્ટ કર્યા પછી, રાહુલે પોતાની સ્ટોરીમાં પણ બે નોટ્સ શેર કરી. જેમાં પહેલી સ્ટોરીમાં લખ્યું કે, "વિરાટ કોહલીના ફેન્સ વિરાટ કરતા મોટા જોકર છે!"
જ્યારે બીજી સ્ટોરીમાં રાહુલે લખ્યું કે, "વિરાટ કોહલીના ફેન્સ મને, મારી પત્ની અને મારી બહેન વિરુદ્ધ અપશબ્દો કહી રહ્યા છે. તેઓ ગાળો આપી રહ્યા છે. તમે મને ગાળો આપો એ ઠીક છે, પણ તમે મારી પત્ની, મારી બહેનને ગાળો આપી રહ્યા છો... જેમને આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી! તો હું સાચો હતો આ માટે તમે બધા વિરાટ કોહલીના ફેન્સ જોકર જ છો! બે કોળીના જોકર."
જાણો શું છે આખો મામલો
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ટીવી એક્ટ્રેસ અવનીત કૌરની એક પોસ્ટ ભૂલથી લાઈક થઈ ગઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની લાઈકને લઈને હોબાળો મચી ગયો છે. ટ્રોલર્સે ક્રિકેટરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. મામલો એટલો વધી ગયો કે કોહલીએ સમગ્ર મામલા પર એક સ્ટોરી શેર કરીને સ્પષ્ટતા આપવી પડી હતી.
સ્ટોરીમાં કોહલીએ લખ્યું, "ફીડ ક્લિયર કરતી વખતે, અલ્ગોરિધમે ભૂલથી એક ઈન્ટરેક્શન નોંધ્યું છે. આ પાછળ મારો કોઈ ઈરાદો નહતો. ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ છે કે આ અંગે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધો."