
- ઓપરેશન સિંદૂર પરથી દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે હોડ જામી
- ફિલ્મના ટાઇટલ મેળવવામાં તે નોંધાવવાની ઝડપ મહત્ત્વની બની રહે છે
હિન્દી ફિલ્મોમાં નામનું મહત્વ મોટું હોય છે. ફિલ્મનું નામ સરળ અને યાદ રહી જાય તેવું હોય તે જરૂરી હોય છે. ફિલ્મના સારાં ટાઇટલને રજિસ્ટર્ડ કરાવવા માટે નિર્માતાઓમાં રીતસરની હોડ જામે છે. તાજેતરમાં ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર બહાદુરીપૂર્વક પાર પાડયુ તેના પગલે આ સરળ અને લોકોની યાદમાં કોતરાઇ ગયેલાં ઓપરેશન સિંદૂર નામનો લાભ લેવા માટે સંખ્યાબંધ નિર્માતાઓએ તેમની ફિલ્મના ટાઇટલમાં સિંદૂર આવતું હોય એવા વીસેક ટાઇટલ રજિસ્ટર્ડ કરાવી નાંખ્યા છે.
સામાન્ય રીતે ફિલ્મના ટાઇટલ રજિસ્ટર્ડ કરાવવાની એક નિયત પ્રક્રિયા હોય છે. જેને દરેક નિર્માતાએ અનુસરવું પડે છે. આ પ્રક્રિયાને અંતે ફિલ્મનું ટાઇટલ કોને આપવું તે નક્કી થાય છે. સૌ પ્રથમ તો ફિલ્મના ટાઇટલને રજિસ્ટર્ડ કરાવવા માટે નિર્માતાઓના સંગઠનનો સંપર્ક કરવો પડે છે. દેશમાં નિર્માતાઓના ચાર સંગઠનો મોજૂદ છે. આ ચાર સંગઠનોમાં ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડયુસર્સ એસોસિએશન-ઇમ્પા-, વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડયુસર્સ એસોસિએશન-ડબલ્યુઆઇએફપીએ-, ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડયુસર્સ કાઉન્સિલ-આઇએફટીપીસી- અને પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. ઇમ્પાના સભ્ય અને જાણીતાં નિર્માતા અશોક પંડિત ફિલ્મનું ટાઇટલ અંકે કરવાની પ્રક્રિયા સમજાવતાં કહે છે, તમે જ્યારે ટાઇટલ રજિસ્ટર્ડ કરાવો ત્યારે તેના પર સિક્કો મારવામાં આવે છે અને જે તે નિર્માતા સંગઠન આ ટાઇટલ માટે અરજી ક્યારે કરવામાં આવી હતી તેની વિગતો પુરી પાડે છે. બાદમાં ફિલ્મમેકર અને નિર્માતાઓના સંગઠન વચ્ચે પત્રોની આપ-લે દ્વારા પ્રથમ અરજી કરનારાં નિર્માતાને જે તે ટાઇટલ ફાળવવાનો નિર્ણય લેવામાં આવે છે. હાલ ઓપરેશન સિંદૂર ટાઇટલ રજિસ્ટર્ડ કરાવવા માટે નિર્માતાઓમાં હોડ જામી છે પણ તેનું પરિણામ આ ચારે નિર્માતા સંગઠનોની આગામી બેઠકમાં નક્કી થશે. એ પછી કયુ ટાઇટલ કોને મળ્યું તેનું પરિણામ જાણવા મળશે.
સાતમી મેના રોજ ભારતીય લશ્કર દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું તે સાથે જ થોડાં કલાકોમાં મુંબઇના ફિલ્મ નિર્માતાઓએ સિંદૂર નામ ધરાવતાં ફિલ્મના ટાઇટલને રજિસ્ટર્ડ કરાવવા માટે હડી કાઢી હતી. જેને કારણે થોડા દિવસો સુધી તો નિર્માતાઓના સંગઠનોની ઓફિસના ફોન નંબર પણ સતત એન્ગેજ આવતાં રહ્યા હતા. મિશન સિંદૂર અને ઓપરેશન સિંદૂર જેમાં આવતું હોય તેવા જ ટાઇટલ રજિસ્ટર્ડ કરાવવા માટે પંદર અરજીઓ આવી ચૂકી છે. બીજા પાંચ-સાત ટાઇટલ પહલગામમાં થયેલાં આતંકી હુમલાને લગતાં છે.
ફિલ્મના ટાઇટલને કબજે કરવામાં સમયનું પરિબળ મહત્વનું બની રહે છે. ફિલ્મનું ટાઇટલ સામાન્ય રીતે વહેલો તે પહેલોના ન્યાયે ફાળવવામાં આવતાં હોઇ દરેક જણ સૌથી પહેલી અરજી કરી નાંખે છે. એ પછી મળતી અરજીઓને વેઇટિંગ લિસ્ટમાં સમાવવામાં આવે છે અથવા તેમની ફી અને અરજી પરત કરી દેવામાં આવે છે. આજકાલ ઇ મેઇલ દ્વારા પણ ટાઇટલ રજિસ્ટર્ડ કરવામાં આવે છે. ઘણાં હાર્ડ કોપી લઇને નિર્માતા સંગઠનની ઓફિસમાં પહોંચી જાય છે. ઓપરેશન સિંદૂરના કેસમાં હવે કોઇ હાર્ડ કોપી લઇને ટાઇટલ નોંધાવવા જાય તો તેને પરત જવા જણાવાય છે કેમ કે આ મતલબની પંદર અરજીઓ આવી ચૂકી છે એટલે આ ટાઇટલ તમને મળી શકે તેમ નથી.
દક્ષિણના જાણીતાં નિર્માતા દિલ રાજુએ સિંદૂર: ઇક જંગ નામનું ટાઇટલ મેળવવા અરજી કરી છે. રાજુ કહે છે, ફિલ્મનું ટાઇટલ ઝડપથી સ્વીકારવામાં આવે તે માટે તમારે એવું નામ પસંદ કરવું જોઇએ જેને બીજા પસંદ ન કરતાં હોય. સરળ ટાઇટલ જ કારગર નીવડે છે. તમારે એવું સરળ નામ પસંદ કરવું જોઇએ જેમાં ચાવીરૂપ શબ્દ વપરાયો હોય અને તેની સાથે જ લોકોને તેની સાથે જોડાયેલી બાબત યાદ આવી જવી જોઇએ. અન્ય એક નિર્માતા જેમણે ટાઇટલ મેળવવા અરજી કરી છે તેમણે જણાવ્યું હતું કે મેં જ્યારે ટીવી પર આ ઓપરેશનનું નામ જોયું ત્યારે જ મને સમજાઇ ગયું હતું કે આ તો ફિલ્મ માટે જબરદસ્ત નામ છે. નિર્માતાએ પોતાની સૂચિત ફિલ્મની વિગતો આપતાં જણાવ્યું હતું કે હું આ ફિલ્મ મહિલાઓની નજરે બનાવવા માંગું છું. મેં જ્યારે ઓપરેશન સિંદૂર નામ જોયું ત્યારે મને એવી લાગણી થઇ કે અમારી બહેનોનું સિંદૂર છીનવી લીધું. લોકોએ ઓપરેશન સિંદૂર શું છે તે જાણવું જ જોઇએ. મારી ફિલ્મમાં ઓપરેશન સિંદૂરની આગેવાની નારી કરશે. જે રીતે બે મહિલા લશ્કરી અધિકારીઓ દ્વારા દેશને ઓપરેશનની વિગતો આપવામાં આવી તે સાથે જ મને લાગ્યુ કે મારે આ ફિલ્મ મહિલાઓની નજરે જ બનાવવી જોઇએ. મને ખબર નથી કે ફિલ્મનું ટાઇટલ મને મળશે કે કેમ પણ મેં ફિલ્મના ટાઇટલ અને વેબ સિરિઝના ટાઇટલ માટે ભારતની વિવિધ ભાષાઓમાં ટાઇટલ મેળવવા માટે અરજી કરી દીધી છે.
જો કે, આ મામલે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડયુસર્સ કાઉન્સિલની ટેલિવિઝન એન્ડ વેબ વિંગના ચેરમેન જમનાદાસ યાને જેડી મજિઠિયા એકદમ અલગ મત ધરાવે છે. તેમણે ઓપરેશન સિંદૂર અને મિશન પહલગામ ટાઇટલ માટે ઘણી અરજીઓ આવી હોવાનું સ્વીકાર્યું હતું. જો કે મિલિટરી ઓપરેશન પર ફિલ્મ બનાવવી એ સારો આઇડિયા નથી એમ તેઓ માને છે. જેડી કહે છે, હું એમ માનું છું કે મિલિટરી એકશનના ટોપિક પર જે ફિલ્મો બને છે એ એક-બે વર્ષમાં બને છે. તેમાં સૌથી મહત્વનો હિસ્સો પ્લાનિંગ અને એટેક હોય. મનોરંજન માટે કલાઇમેક્સ ઠીક છે પણ ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં આપણે ઘણી વિગતો દુશ્મન માટે જાહેર કરી નાંખીએ છીએ. બીજી વાત એ છે કે આ પ્રકારની ફિલ્મ બને તેમાં એ ઘટનામાં સંડોવાયેલાં લોકોની લાગણી સાથે રમત થાય છે. એ શક્ય છે કે પહલગામના આતંકી હુમલાનો ભોગ બનેલાં લોકો આ ઘટનાને બને એટલી જલદી ભૂલી જવા માંગતા હોય પણ જ્યારે ફિલ્મ બને અને તે જોવાય ત્યારે તેમને આ ઘટનામાંથી ફરી પસાર થવું પડે છે. તેઓ ફિલ્મ જોયા પછી આ ઘટનાને સરળતાથી ભૂલી શકતાં નથી. આમ, મારા અંગત મતે આવી ઘટનાઓ પરથી ફિલ્મ બનાવવાનું ટાળવું જોઇએ.
ઘણાં અતિઉત્સાહી લોકો એટલી ઝડપ બતાવે છે કે તેમાં ઓડનું ચોડ વેતરાઇ જાય છે. ઓપરેશન સિંદૂરમાં પણ આમ બન્યું હતું.
એક નિર્માતાએ એટલી ઝડપથી ફિલ્મનું ટાઇટલ અને પોસ્ટર જારી કરી નાંખ્યા કે લોકોને લાગ્યું કે આ માણસ આ પ્રસંગને નાણાં કમાવાની તક સમજે છે. પરિણામે સોશ્યલ મિડિયા પર એટલો ઉહાપોહ થયો કે ફિલ્મ નિર્માતાએ જાહેરમાં માફી માંગવી પડી અને ફિલ્મના પોસ્ટરને પણ રદ કરવા પડયા. આમ, હિન્દી ફિલ્મ નિર્માતાઓ ચાન્સ પર ડાન્સ કરી લેવા આતુર હોય છે પણ એ ડાન્સમાં દર્શકોને મજા પડે તેમ છે કે કેમ તે અસલી કસોટી બની રહે છે.
સિંદૂર નામ ધરાવતાં ફિલ્મ ટાઇટલ્સ
- ઓપરેશન સિંદૂર
- ઓપરેશન મિશન સિંદૂર
- સિંદૂર કા બદલા
- સિંદૂર કા યુદ્ધ
- ઓપરેશન સિંદૂર જય હિંદ
- સિંદૂર ધ રિવેન્જ
- સિંદૂર: એક જંગ
ફિલ્મનાં ટાઇટલ્સ માટે અરજી કરનારાં પ્રોડકશન હાઉસીસ
- જે પી ફિલ્મ્સ - જે પી દત્તાનું પ્રોડકશન હાઉસ
- આદિત્ય ધર ફિલ્મ્સ
- જોહ્ન અબ્રાહમનું પ્રોડકશન હાઉસ
- વિવેક અગ્નિહોત્રીનું
પ્રોડકશન હાઉસ
- મધુર ભંડારકરનું પ્રોડકશન હાઉસ
- અશોક પંડિતનું પ્રોડકશન હાઉસ
- સુપર કેસેટ્સ
- મુંબઇ ફિલ્મ્સ
- ઓલમાઇટી મોશન પિક્ચર્સ