
- દાસ્તાન-એ-સિનેમા
- મહેબૂબ ખાન આંખોમાં અનેક સપનાં આંજીને બિલીમોરાથી મુંબઈ ભાગી આવ્યા હતા. તેમણે સાયલન્ટ ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી
ઈંગ્લિશમાં શબ્દ છે, Obsession. ઓબ્સેશન એટલે કે કોઈપણ વસ્તુ પ્રત્યેનું ઝનૂન. જ્યારે ઝનૂન સાથે પોઝિટિવ ધ્યેય જોડાય ત્યારે ઉંઘવા-જાગવા, હરવા-ફરવા, ખાવા-પીવાનું કોઈ ભાન ન રહે, નજર અર્જુનની જેમ માછલીની આંખ પર જ રહે. ઈતિહાસના જેટલા પણ મહાન કલાકારો થયા છે, તેમની સફળતા પાછળ ટેલેન્ટ અને નસીબ જેટલું જ મહત્ત્વનું પરિબળ ઓબ્સેશનનું રહ્યું છે. જ્યારે અવરોધો આવે, ટીકાકારો બોલવામાં કંઈ બાકી ન રાખે, જે દરવાજા તમારે માટે સદા ખુલ્લા રહેતા હોય તે બંધ થવા લાગે અને એક પ્રકારનો અગમ્ય થાક લાગે ત્યારે આ સતત પ્રયત્નોની હઠ જ છે જે આટસ્ટને આગળ વધવામાં મદદરૂપ થાય છે. અનેક સાયકોલોજીકલ રિસર્ચમાં સામે આવ્યું છે કે, જે કલાકારોમાં ઝનૂન હતું, તેઓ નિષ્ફળતાનો આસાનીથી સામનો કરી શક્યા અને લાંબા સમયના સતત પ્રયત્નો બાદ સફળ થઈ શક્યા હતા.
મહાન ચિત્રકાર માઈકલ એન્જેલો કહેતા કે,‘ If people know how hard I worked to get my mastery, it wouldn't seem so wonderful at all.’ એટલે જો લોકોને ખબર પડે કે મારા કામમાં મહારત હાસિલ કરવા માટે મેં કેટલી હદ સુધી મહેનત કરી છે તો લોકોને મારું કામ અદ્ભુત નહીં લાગે. વેટીકન સિટીમાં પોપના ઓફિશિયલ રેસિડેન્સને પેઈન્ટ કરવાનું અસંભવ કામ 4 વર્ષની મહેનત બાદ તેમણે પાર પાડ્યું હતું. આ તેમનું ઓબ્સેશન જ હતું કે, તેઓ રોજ 12 કલાક સુધી પેઇન્ટિંગ કરીને એના એ જ કપડામાં સૂઈ જતા હતા. મહાન કલાકારની વાત આવે અને એમાં લિયોનાર્ડો ડા વિન્ચીની વાત ન આવે તે શક્ય નથી. લિયાનાર્ડોએ વિશ્વવિખ્યાત મોનાલિસાને બનાવવા માટે 16 વર્ષનો સમય લીધો હતો. તેઓ ક્યારેય તેની આંખો પર કામ કરતાં તો ક્યારેક તેની સ્માઈલ પર પરંતુ, પરિણામથી હંમેશા અસંતુષ્ટ રહેતા.
ભારતીય સિનેમામાં લિયોનાર્ડો ડા વિન્ચી જેવું ઓબ્સેશન મહેબૂબ ખાનમાં જોવા મળ્યું હતું. તેમણે 1940માં 'ઔરત' નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની રિલીઝ બાદ પણ તેમાં કંઈક ખૂટતું હોય તેવું તેમને સતત લાગ્યા કરતું હતું. છેવટે, તેમણે 17 વર્ષ પછી આ જ ફિલ્મની રિમેક 'મધર ઈન્ડિયા' બનાવી. આ ફિલ્મ એટલી હદે પોપ્યુલર થઈ કે, તે છેવટે 1958માં ભારતની પહેલી ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ બની હતી.
મહેબૂબ ખાનની મધર ઈન્ડિયા સુધીની સફર
1907માં ગુજરાતના બીલીમોરામાં જન્મેલા મહેબૂબ ખાન આંખોમાં અનેક સપનાઓ લઈને કિશોરાવસ્થામાં ઘરેથી ભાગી ગયા હતા. તેમણે બોમ્બે પહોંચીને સાયલન્ટ ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે પોતાની સિનેકારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન બાબુલાલ પેઈન્ટર જેવા ડિરેક્ટર સાથે કામ કરીને તેમની કલામાં નિખાર આવ્યો હતો. 1935માં તેમણે પહેલી ફિલ્મ 'અલ હિલાલ' નું દિગ્દર્શન કર્યું હતું. 1940માં મેહબૂબ પ્રોડક્શનની સ્થાપના સાથે જ અમેરિકન લેખક પર્લ એસ. બકની નવલકથા 'ધ ગુડ અર્થ' અને 'ધ મધર' પર આધારિત ફિલ્મ 'ઔરત' નું દિગ્દર્શન કર્યું હતું. ગ્રામીણ ભારતમાં મહિલાના સંઘર્ષો પર આધારિત મામૂલી બજેટની આ ફિલ્મ વખણાઈ હતી. ફિલ્મ 'ઔરત' અને 'મધર ઇન્ડિયા' વચ્ચે તેમણે કુલ 9 ફિલ્મો ડિરેક્ટ કરી હતી. મૂડીવાદની ટીકા કરતી 1949ની ફિલ્મ 'રોટી', નૂરજહાં સાથે 1946ની રોમેન્ટિક બ્લોકબસ્ટર 'અનમોલ ઘડી' અને દિલીપકુમાર, નરગીસ અને રાજ કપૂરના બોલ્ડ લવ ટ્રાયેંગલની 1949ની ફિલ્મ 'અંદાઝ' ખાસ રહી હતી. તેમની દેશભક્તિની ભાવના દર્શાવતી 1952માં રિલીઝ થયેલી 'આન' ગ્લોબલ હિટ રહી હતી. ફિલ્મ 'ઔરત' ને સ્વતંત્ર ભારતના પરિપેક્ષ્યમાં કલ્પના કરતા સમયે તેમને 'મધર ઈન્ડિયા' નો વિચાર આવ્યો હતો. આ ટાઈટલ કેથરીન મેયોની 1927ની બુક, 'મધર ઈન્ડિયા' પરથી લેવામાં આવ્યું હતું. જેમાં, ભારતીય સંસ્કૃતિની ભરપૂર નિંદા કરવામાં આવી હતી. તેઓ નવી ફિલ્મના માધ્યમથી ભારતીય મહિલાની સાચી એટલે કે, પોઝિટીવ ઈમેજ વિશ્વ સુધી પહોચાડવા માંગતા હતા.
'મધર ઈન્ડિયા' નું કાસ્ટિંગ
'ઔરત' ફિલ્મમાં રાધાના રોલમાં સરદાર અખ્તર, તેમના પતિ તરીકે અભિનેતા ગોવિંદાના પિતા અરુણ કુમાર અહુજા અને રાધાના બે પુત્રો રામુ અને બિરજુના રોલમાં સુરેન્દ્ર અને યાકુબને કાસ્ટ કરવામાં આવ્યા હતા. મહેબૂબ ખાન આ ફિલ્મની રિમેકને સ્પેશિયલ બનાવવા માંગતા હતા. તેમણે 1943ની તેમની ફિલ્મ 'તકદીર' માં લીડ રોલમાં ડેબ્યુ કર્યા બાદ 1949માં તેમની જ ફિલ્મ 'અંદાઝ' થી સુપરસ્ટાર બનેલી નરગીસને રાધાના રોલ માટે પસંદ કર્યા હતા. રાજ કપૂર સાથેના સંબંધો દરમિયાન નરગીસને મહેબૂબ ખાન સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડવામાં આવી હતી. પરંતુ, અફેરના અંત બાદ નરગીસ મહેબૂબ ખાન સાથે કામ કરવા તૈયાર હતા. તેમના પુત્ર બિરજુના રોલ માટે મહેબૂબ ખાનની પહેલી પસંદ હોલિવુડ સ્ટાર સાબુ દસ્તગીર હતા, તેઓ મુંબઈ ફિલ્મનું શુટિંગ કરવા આવ્યા પણ હતા પરંતુ, વર્ક પરમિટ મળી નહતી. ત્યારબાદ, મહેબૂબ ખાન ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને ટ્રેજેડી કિંગ દિલીપકુમાર પાસે ગયા હતા. દિલીપ કુમારે તેને સાંભળીને કહ્યું હતું કે, આ ફિલ્મ તો કોઈપણ સંજોગે અને ખર્ચે બનાવવી જોઈએ. તેઓ ફિલ્મમાં બિરજુ અને શામુના ડબલ રોલ કરવા માંગતા હતા. પરંતુ, નરગીસે મહેબૂબ ખાનની પસંદગી ફગાવી હતી. નરગીસે કહ્યું કે, દિલીપ કુમારે આગલી બે ફિલ્મોમાં તેમના પ્રેમી તરીકેનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં દિલીપ કુમારને તેમના પુત્ર તરીકે દર્શકો સ્વીકારશે કે કેમ તે અંગે તેઓ અવઢવમાં હતાં. છેવટે, નવોદિત સુનિલ દત્તને આ મહત્ત્વપૂર્ણ રોલ માટે પસંદ કર્યા હતા. જ્યારે, ઝૂંપડપટ્ટીમાં રહેતા સાજિદ ખાનને યુવાન બિરજુની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ બાદ સાજિદને મહેબૂબ ખાને દત્તક લીધા હતા અને 'મધર ઈન્ડિયા' ની સિક્વલ 'સન ઓફ ઈન્ડિયા' માં તેમનું લીડ રોલમાં ડેબ્યુ કરાવ્યું હતું.
1962માં રિલીઝ થયેલી આ ફિલ્મ ખાસ ચાલી નહતી. ઓરિજનલ ફિલ્મ 'ઔરત' માં વિલનનો રોલ નિભાવનાર કન્હૈયાલાલ સુખીલાલને 'મધર ઈન્ડિયા' માં રિપીટ કરવામાં આવ્યા હતા. અન્ય પાત્રો માટે નવોદિત રાજેન્દ્ર કુમાર અને રાજ કુમારને પસંદ કરવામાં આવ્યા હતા.
ભારતમાતા અને રાધા
જો ફિલ્મ 'મધર ઈન્ડિયા' ભારતીય સિનેમાની આત્મા છે તો રાધાનું કેરેકટર તેની નાડી. રાધાના પાત્રને ભારત માતાથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવ્યું હતું. જેમ, ભારત માતા ક્યારેય કોઈનું ખોટું ન કરે. ક્યારેય અસત્યનો સાથ ન આપે. અનેક સંઘર્ષો વચ્ચે પણ સદા સૌના હિતમાં કામ કરે. તેવી જ આ રાધા છે. ફિલ્મની પહેલી ફ્રેમથી જ રાધા એક તૂટેલા સંસારનો બોજ ઉઠાવે છે. પતિના જતાં સાથે જ ઘર ભાંગી પડે છે. ભૂખે મરતા બાળકોની પીડા સહન કરીને સાડી પહેરેલી યૌદ્ધા તરીકે પરિસ્થિતિનો સામનો કરે છે. રાધાના જીવનમાં સૌથી પીડાદાયક ક્ષણ ત્યારે આવે છે જ્યારે, સમાજનું રક્ષણ કરવા માટે પોતાના જ પુત્ર બિરજુને ગોળી મારવાની ફરજ પડે છે. આ આઈકોનિક સીન ભલભલા કઠણ હૃદયના વ્યક્તિને હચમચાવી નાખે તેવો છે. શરમાળ કન્યાથી ઉગ્ર માતા સુધીની રાધાની સફરને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. રાધાના કેરેક્ટરે હિન્દી ફિલ્મોમાં ફિમેલ લીડ રોલને નવી વ્યાખ્યા આપી હતી. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન દ્વારા તેમના કામને બિરદાવીને તેને 'ગ્રેટેસ્ટ પરફોર્મન્સ' ના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને અનેક એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. પરંતુ, આ સફળતા આસાન નહોતી. પ્રિયા દત્તની ડોક્યુમેન્ટ્રીમાં સુનીલ દત્તે શેર કર્યું હતું કે, જ્યારે નરગીસ કાદવથી લથપથ સીન શૂટ કરી રહ્યા હતા. ત્યારે તેઓ દરરોજ મેકઅપની જેમ કાદવ લગાવી લેતા હતા. એક સમયે ભીના કાદવમાંથી ગંધ આવવા લાગી હતી પરંતુ, કોઈપણ ખચકાટ વગર કાદવ લગાવીને તેઓ શોટ માટે તૈયાર રહેતા હતા.
એન્ટી-હીરો બિરજુ
આ ફિલ્મમાં રાધા બલિદાન અને નૈતિક શક્તિનું પ્રતીક રહી જ્યારે, બિરજુ અન્યાય સહન ન કરી શક્યો અને ગુસ્સામાં તડપવા લાગ્યો. તેણે પરિવારને દેવાના બોજ હેઠળ, માતા અને ભાઈને અપમાનની આગમાં પીડતા જોયા હતા. જીવનની કપરી પરિસ્થિતિમાં સ્થિતિસ્થાપકતાને બદલે બિરજુએ બદલો લેવાનું પસંદ કર્યું હતું. ગરીબી, ગુસ્સા અને અપમાનમાંથી બનેલું બિરજુનું પાત્ર નહતું ખલનાયક કે નહતું હીરોનું. બિરજુ ભારતીય ફિલ્મનો પહેલો એન્ટી-હીરો હતો. એક સમયની દુર્બળતાએ તેને ડાકુ બનવા પર મજબૂર કર્યો હતો. પરિવાર ખાસ કરીને માતાને પીડા આપનાર વ્યાજખોરના ખૂન અને ત્યારબાદ માતાના હાથે જ મોત બિરજુને ભારતીય સિનેમાના તમામ કેરેકટર્સ કરતા અલગ બનાવે છે. 'મધર ઈન્ડિયા' પહેલા 'ગુમનામ' અને 'એક હી રાસ્તા' જેવી ફિલ્મ બાદ પણ ગુમનામ રહેનારા સુનિલ દત્તને બિરજુ તરીકે લોકો ઘરે ઘરે ઓળખાતા થયા હતા. આ ફિલ્મનો તેમનો રોલ જ તેમને અનેક ફિલ્મોમાં અપાર સફળતા બાદ સંસદ સુધી લઈ ગયો હતો.
નરગીસ-સુનીલ દત્તની લવ સ્ટોરી
સુરતમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ માટે ખેતરમાં ઘાસના ઢગલા મૂકવામાં આવ્યા હતા. એક સીન માટે નરગીસે તેમાં લગાવવામાં આવેલી આગમાંથી પસાર થવાનું હતું. જ્યારે, નરગીસે દોડવાની શરૂઆત કરી ત્યારે અચાનક જ પવનની દિશા બદલાઈ ગઈ અને તેઓ આગની લપેટોમાં ફસાઈ ગયાં હતા. આ સીન પછીના સીન માટે તૈયાર થઈ રહેલા સુનીલ દત્તે ભયાવહ આગમાં કૂદીને નરગીસનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત બાદ નરગીસને સામાન્ય જ્યારે, સુનીલ દત્તને ગંભીર ઈજા થઈ હતી. આ દિવસોમાં જ તેમનો પ્રેમ ખીલ્યો હતો. નરગીસ સુનીલ દત્તથી એક મિનિટ દૂર થવા માંગતી નહતી. પોતાની ડાયરીમાં નરગીસે આ દિવસોને પોતાની જિંદગીના સૌથી સુંદર ગણાવ્યા હતા. ઓન-સ્ક્રીન માતા-પુત્રને રિયલ-લાઈફ કપલ તરીકે દર્શકો કેવી રીતે જોશે તેના ડરથી મહેબૂબ ખાને તેમને સંબંધો જાહેર ન કરવા કહ્યું હતું. છેવટે, નરગીસે રાજ કપૂર સાથે 9 વર્ષ જૂના સંબંધો તોડીને 11 માર્ચ, 1958ના રોજ સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા હતા.
68 વર્ષથી દર્શકોના દિલ પર રાજ
25 ઓક્ટોબર, 1957ના રોજ દિવાળીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મને જોવા દેશભરના થિયેટરો ખીચોખીચ ભરાઈ ગયા હતા. દર્શકો રાધાના ત્યાગથી ભાવુક બન્યા હતા અને રાધાના હાથે બિરજુની હત્યા જોઈને હેબતાઈ ગયા હતા. ઓસ્કર એવોર્ડ્સના નામાંકન પહેલા ફિલ્મ ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને દર્શાવવામાં આવી હતી. હોલિવુડમાં પ્રાઈવેટ સ્ક્રીનિંગ દરમિયાન પણ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. આ ફિલ્મના ઓસ્કર નામાંકને જ 'સલામ બોમ્બે' અને 'લગાન' જેવી ફિલ્મો માટે ઓસ્કરના દરવાજા ખોલ્યા છે. વિદ્યા બાલન આ ફિલ્મની સુપર ફેન છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે, રિલીઝના 68 વર્ષ બાદ પણ 'મધર ઈન્ડિયા' ભારતીય ફિલ્મોમાં વાર્તા કહેવાના અલગ અંદાજ ને બતાવે છે.
Country | Film Title (Original / English) | Director | Result |
Italy | Le notti di Cabiria (Nights of Cabiria) | Federico Fellini | Winner |
Italy | Porte des Lilas (Gates of Paris) | René Clair | Nominee |
Japan | Narayama Bushi-ko (The Ballad of Narayama) | Keisuke Kinoshita | Nominee |
West Germany | Nachts, wenn der Teufel kam (The Devil Came at Night) | Robert Siodmak | Nominee |
India | Mother India | Mehboob Khan | Runner-up |