
ભારતીય સિનેમા આજે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. બંગાળી ફિલ્મ નિર્માતા સત્યજીત રે (Satyajit Ray) એ પણ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. સત્યજીત રે (Satyajit Ray) ને ભારત રત્ન (1992), દાદાસાહેબ ફાળકે (1985), પદ્મ વિભૂષણ (1976) અને પદ્મ ભૂષણ (1965) જેવા ભારતના સર્વોચ્ચ સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ સિવાય તેમને ઓસ્કાર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો.
સત્યજીત રે (Satyajit Ray) નો જન્મ 2 મે 1921ના રોજ કોલકાતામાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમણે પોતાના કરિયરમાં લગભગ 36 ફિલ્મો બનાવી. તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. ભારતીય સિનેમામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા સત્યજીત રેનું 23 એપ્રિલ 1992ના રોજ અવસાન થયું હતું. સત્યજીતે ઘણી ફિલ્મો બનાવી, પરંતુ તેમની કેટલીક ફિલ્મો એવી છે જેમણે ભારતીય સિનેમાને મહાન બનાવી દીધું.
સત્યજીત રેની 5 સુપરહિટ ફિલ્મો
1948માં રિલીઝ થયેલી અંગ્રેજી ફિલ્મ 'બાયસિકલ થીવ્સ' જોયા પછી સત્યજીત રે (Satyajit Ray) એ ફિલ્મ નિર્માણનો શોખ કેળવ્યો. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મો બનાવી પરંતુ આ 5 ફિલ્મોને સૌથી વધુ લોકપ્રિય થઈ અને આ ફિલ્મોને ખૂબ સારારેટિંગ પણ મળ્યા.
'પાથેર પાંચાલી'
1955માં રિલીઝ થયેલી ફિલ્મ 'પાથેર પાંચાલી' સત્યજીત રે (Satyajit Ray) દ્વારા દિગ્દર્શિત પહેલી ફિલ્મ હતી. તેમણે ફિલ્મની વાર્તાથી લઈને તેના નિર્માણ સુધી બધું જ સંભાળ્યું હતું. ફિલ્મમાં કરુણા બેનર્જી, સુબીર બેનર્જી અને ચુનીવાલા દેવી જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ બિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મને IMDb પર 10માંથી 8.2 રેટિંગ મળ્યા છે. તમે આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો.
‘અપરાજિતો’
1956માં રિલીઝ થયેલી ફિલ્મ 'અપરાજિતો' ની વાર્તા, દિગ્દર્શન અને નિર્માણ સત્યજીત રેએ સંભાળ્યું હતું. આ ફિલ્મમાં પિંકી સેનગુપ્તા, સમર્ન ઘોષાલ, કરુણા બેનર્જી જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ પાથેર પાંચાલીની સિક્વલ હતી. આ ફિલ્મને પણ IMDb પર 10 માંથી 8.2 રેટિંગ મળ્યું છે અને તે પણ પ્રાઈમ વીડિયો પર ઉપલબ્ધ છે.
'ધ વર્લ્ડ ઓફ અપુ'
1959માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ વર્લ્ડ ઓફ અપુ'ને 'અપુ કા સંસાર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિલ્મ પણ સત્યજીતે પોતાના દિગ્દર્શન, નિર્માણ અને પટકથા સાથે તૈયાર કરી હતી. આ ફિલ્મમાં સૌમિત્ર ચેટર્જી, આલોક ચક્રવર્તી અને શર્મિલા ટાગોર (બોલિવૂડ અભિનેત્રી) એ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મને IMDb પર 10માંથી 8.4 રેટિંગ મળ્યા છે.તમે આ ફિલ્મ પણ પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો.
'નાયક: ધ હીરો'
1966માં રિલીઝ થયેલી ફિલ્મ 'નાયક ધ હીરો' પણ સત્યજીત રે દ્વારા બનાવવામાં આવી હતી. આમાં તેમણે દિગ્દર્શક, લેખક, પટકથા અને નિર્માતા તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં શર્મિલા ટાગોર, ઉત્તમ કુમાર, જોગેશ ચેટર્જી અને સોમેન બોઝ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મને IMDb પર 10માંથી 8.2 રેટિંગ મળ્યા છે અને આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર ઉપલબ્ધ છે.
'આગંતુક'
1992માં રિલીઝ થયેલી ફિલ્મ 'આગંતુક' સત્યજીત રેની છેલ્લી ફિલ્મ હતી, જે તેમના મૃત્યુ પછી રિલીઝ થઈ હતી. ફિલ્મમાં દિપાંકર ડે, મમતા શંકર, ઉત્પલ દત્ત, પ્રમોદ ગાંગુલી જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મને IMDb પર 10માંથી 8 રેટિંગ મળ્યા છે અને આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર ઉપલબ્ધ છે.
ઓસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય દિગ્દર્શક
સત્યજીત રે (Satyajit Ray) ને ફિલ્મો પ્રત્યેના પ્રેમ અને વિચારોને કારણે 'ઓસ્કાર ઓનરી એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમાં ખાસ વાત એ છે કે સત્યજીત હજુ પણ આવું કરનાર એકમાત્ર ભારતીય દિગ્દર્શક છે. જોકે, આ સિવાય તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા છે. સત્યજીતની ફિલ્મોમાં કંઈક અલગ જ હતું અને તે સામાજિક મુદ્દાઓ પર વાત કરતી હતી.