
પહેલગામ હુમલા (Pahalgam Attack) બાદ પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર (Hania Aamir) ની એક ફેક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તે પાકિસ્તાની આર્મીને હુમલા માટે જવાબદાર જણાવે છે. ફેક પોસ્ટમાં જનરલ આસિમ મુનીરને બગડતી સ્થિતિ માટે જવાબદાર ગણતા વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે, તેઓ પાકિસ્તાની આર્મી સામે એક્શન લે ન કે ત્યાંના નાગરિકો પર.
ફેક પોસ્ટ પર હાનિયાની પ્રતિક્રિયા
આ મામલો વધુ વકરતા હાનિયા (Hania Aamir) એ આ ફેક પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે, 'સોશિયલ મીડિયા પર મારા નામથી જે પોસ્ટ વાયરલ થઈ રહી છે. મારે તેના સાથે કોઈ નિસ્બત નથી. મેં આવું કોઈ નિવેદન નથી આપ્યું.'
પહેલગામ હુમલામાં મૃતકના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી
એક્ટ્રેસે પહેલગામના મૃતકો માટે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. હાનિયાએ લખ્યું કે, "જે નિર્દોષોનો જીવ ગયો છે તેમના પરિવાર આ હુમલાથી દુઃખી છે. આ ઘટનાથી મારું દિલ તૂટી ગયું છે. આ ખૂબ જ નાજૂક અને ઈમોશનલ સમય છે. આ દુઃખ વાસ્તવિક છે, જેને સહાનુભૂતિની જરૂર છે, રાજકારણની નહીં. કટ્ટરપંથીઓની આ હરકત આખા દેશ અને તેમના લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી."
શાંતિની અપીલ
હાનિયાએ પોતાની પોસ્ટમાં સકારાત્મકતા ફેલાવવાની વાત કરી હતી. આ સાથે જ એક્ટ્રેસે શાંતિની અપીલ કરી હતી. હાનિયાના ફેન્સે પણ તેનો સપોર્ટ કર્યો અને આભાર વ્યક્ત કર્યો.