
ઋતિક રોશન અને ઐશ્વર્યા રાયની ઐતિહાસિક ફિલ્મ 'જોધા અકબર' રિલીઝ થયાને 17 વર્ષ થઈ ગયા છે. આ અવસરને યાદગાર બનાવવા માટે ઓસ્કારના આયોજક, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ, માર્ચમાં ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરશે. આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'જોધા અકબર', મુઘલ સમ્રાટ અકબર અને રાજપૂત રાજકુમારી જોધા બાઈની વાર્તાને રજૂ કરે છે.
2008માં થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઋતિક રોશન અને ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં હતા. તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી અને ગોવારિકરની શાનદાર વાર્તાએ 'જોધા અકબર'ને ક્યારેય ન ભૂલી શકાય તેવો સિનેમેટિક અનુભવ બનાવ્યો હતો.
આશુતોષ ગોવારિકરે ખુશી વ્યક્ત કરી
ફિલ્મ વિશે વાત કરતા, આશુતોષ ગોવારિકરે કહ્યું, "જોધા અકબરના 17 વર્ષ પૂર્ણ થવા પર, હું દર્શકોનો ખૂબ આભારી છું જેમણે તેને પોતાની યાદોમાં સાચવી રાખી છે અને તેના માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ફિલ્મની રિલીઝથી લઈને હવે એકેડેમી (ઓસ્કાર) ખાતે સ્પેશિયલ સ્ક્રીનિંગથી સન્માનિત થવા સુધીની સફર, તેમાં સામેલ દરેક વ્યક્તિના કામને કારણે શક્ય બની છે. 'જોધા અકબર' ને મળી રહેલી પ્રશંસા પ્રોત્સાહક છે અને વિશ્વભરના દર્શકો દ્વારા તેને પ્રેમ મળી રહ્યો છે તે જોઈને હું રોમાંચિત છું."
'જોધા અકબર' ની સ્ટાર કાસ્ટ
એકેડેમીએ તાજેતરમાં પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર નીતા લુલ્લાના એક શોમાં ફિલ્મમાંથી ઐશ્વર્યા રાયના લગ્નના અદ્ભુત લહેંગાનું પ્રદર્શન કર્યું હતું. વૈશ્વિક દર્શકો પર તેની કાયમી અસરની ઉજવણી કરવા માટે માર્ચમાં લોસ એન્જલસમાં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજાશે. 'જોધા અકબર' ફક્ત તેના ભવ્ય સેટ માટે જ નહીં પરંતુ તેની અદભુત સિનેમેટોગ્રાફી, કોસ્ચ્યુમ અને સાઉન્ડટ્રેક માટે પણ જાણીતી છે. આ ફિલ્મમાં સોનુ સૂદ, રઝા મુરાદ, ઈલા અરુણ, નિકિતિન ધીર, સુહાસિની મુલે અને અન્ય કલાકારોએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.