Home / Entertainment : Kamal Haasan and Mani Ratnam: Deadly Combination

Chitralok : કમલ હાસન અને મણિરત્નમ : ડેડલી કોમ્બિનેશન

Chitralok : કમલ હાસન અને મણિરત્નમ : ડેડલી કોમ્બિનેશન

- શિશિર રામાવત

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- કમલ હાસન અને મણિરત્નમ હમઉમ્ર છે. કમલસર ૭૦ વર્ષના થયા, મણિસર એમના કરતાં બે વર્ષ નાના. તેમણે બે જ ફિલ્મો સાથે કરી છે - 'નાયકન' અને હવે 38 વર્ષ પછી, 'ઠગ લાઇફ' 

- મણિરત્નમ

- કમલ હાસન

જોખાસ કોઈ વિઘ્ન નહીં નડે તો છઠ્ઠી જૂને 'ઠગ લાઇફ' ફિલ્મ રિલીઝ થઈ જવાની. આ ફિલ્મમાં ડિરેક્ટર છે મણિરત્નમ અને હીરો છે કમલ હાસન. આના કરતાં વધારે ખતરનાક કોમ્બિનેશન બીજું કયું હોવાનું! બન્ને લિવિંગ લેજન્ડ્સ છે અને તેમણે છેક ૩૮ વર્ષ પહેલાં સાથે કામ કરેલું - 'નાયકન' (૧૯૮૭) નામની અફલાતૂન તમિળ ફિલ્મમાં. આ ફિલ્મ બધા સિનેમાપ્રેમીઓએ જોઈ છે. વેલુ નાયકન નામનો ભારાડી માણસ છે, જેણે મુંબઈમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. હિંસક છે, વારે વારે ભભૂકી ઉઠતા જ્વાળામુખી જેવી એની તાસીર છે. એ સારો પિતા અને પ્રેમી બનવાની ભરપૂર કોશિશ કરે છે, પણ 'નાયકન' ફિલ્મે જે પ્રશ્ન ઓડિયન્સ સામે મૂકી દીધો હતો તે આ હતો - વેલુ નાયકન સારો માણસ ગણવો કે ખરાબ માણસ? 'નાયકન'ના આધારે ખાસ્સી નબળી એવી 'દયાવાન' (વિનોદ ખન્ના, માધુરી દીક્ષિત) નામની હિન્દી ફિલ્મ પણ પછી બની હતી. ખેર, અત્યારે આપણને રસ 'ઠગ લાઇફ'માં છે. આ ફિલ્મમાં એક એવા ખૂંખાર અન્ડરવર્લ્ડના ડોનની વાત છે, જેના વિશે લોકોએ ધારી લીધું હતું કે એ મૃત્યુ પામ્યો છે, પણ વર્ષો પછી એ જીવતો પાછો ફરે છે અને હવે એનો સાવકો દીકરો એનો દુશ્મન થઈ ગયો છે. 'ઠગ ઓફ લાઇફ' કમલ હાસનની હીરો તરીકેની ૨૩૪મી ફિલ્મ હોવાની!

કમલ હાસન એક મુલાકાતમાં કહે છે, 'જુઓ, એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં મેં અને મણિએ આડત્રીસ-આડત્રીસ વર્ષ સુધી સાથે કામ ન કર્યું એ અમારી ભૂલ જ કહેવાય. અમે બન્ને મળ્યા કરતા, જુદા જુદા આઇડિયાઝ ડિસ્કસ કર્યા કરતાં, પણ તકલીફ એ છે કે પરફેક્શનના મામલામાં અમે બન્ને ચીકણા છીએ, એટલે વાત કોઈક ને કોઈક કારણસર અટકી પડતી. મજા જુઓ. 'ઠગ લાઇફ'નો આઇડિયા મેં મણિરત્નમ સાથે ૪૫ વર્ષ પહેલાં ડિસ્કસ કર્યો હતો, 'નાયકન'ની પણ બહુ પહેલાં. ચાલો, આટલાં વર્ષે તો આટલાં વર્ષે પણ ફિલ્મ બની ખરી.'

'ઠગ લાઇફ' શબ્દપ્રયોગ મૂળ તો એમેરિકન સ્લેન્ગ છે, જે આ સોશિયલ મીડિયાના જમાનામાં ખાસ્સો પોપ્યુલર બની ગયો છે. ઠગ લાઇફ એટલે, સાદી ભાષામાં,અન્યાય સામે વિદ્રોહ. તેના બીજા અર્થો પણ થાય છે. 'ઠગ લાઇફ' ફિલ્મના લેખકો તરીકે મણિરત્નમ અને કમલ હાસન બન્નેનું નામ મૂકાવાનું છે, એ જ ક્રમમાં. 'હા, આ ફિલ્મ અમે સાથે જ લખી છે,' કમલ હાસન કહે છે, 'જ્યારે હું કહું કે ફિલ્મ સાથે લખી છે ત્યારે એનો અર્થ એવો નથી કે અમે સામસામા ટેબલ રાખીને કાગળ-પેન લઈને લખવા બેસી જતા હતા. મેં મારી રીતે આખી સ્ક્રિપ્ટ લખી નાખી હતી. મેં એનું ટાઇટલ 'અમર હૈ' રાખ્યું હતું. નાયકનું નામ 'અમર' છે, જેને સૌએ મરેલો માની લીધો હતો. આમ,અમર નામમાં જ એક પ્રકારનો વ્યંગ છે. મણિએ મારા આ વિષયને પોતાની રીતે ઘાટ આપ્યો છે.' 

ફિલ્મ હોય કે નાટક હોય કે નવલકથા - સહલેખન કરવું એ બહુ નાજુક બાબત છે. લખવું એ એક એકલવાયી,અંગત પ્રક્રિયા છે અને ઘણા લેખકોને કોઈની સાથે રાખીને લખવાનું ફાવતું નથી. જોકે સિનેમા માટે લખવું એક કોલેબોરેટિવ પ્રોસેસ છે. કમલ હાસન કહે છે, 'હું તો જ્યાં જાઉં ત્યાં લેખકોને હંમેશા એક સલાહ આપતો હોઉં છું કે તમારે ટેલેન્ટેડ લેખકોની સાથે સહલેખન કરવું જોઈએ, ઘણું શીખવા મળશે. કોઈના સંગાથમાં લખતા હો ત્યારે એવી ફીલિંગ આવે કે જાણે તમે સાથે મળીને એક બાળકને - એટલે કે કૃતિને - જન્મ આપી રહ્યા છો.' 

અહો રૂપમ... અહો ધ્વનિ

કમલ હાસન અને મણિરત્નમ હમઉમ્ર છે. કમલસર ૭૦ વર્ષના થયા, મણિસર એમના કરતાં બે વર્ષ નાના. કમલ હાસન કહે છે, 'મણિ એવા ફિલ્મમેકર છે, જે દાયકાઓ પહેલાં જ બીજાઓ કરતાં જોજનો આગળ નીકળી ગયા હતા. આટલાં વર્ષોમાં મણિમાં કશું જ બદલાયું નથી. આજે પણ એનામાં સિનેમા પ્રત્યે એટલું જ પેશન છે, જેટલું 'નાયકન' વખતે હતું. બદલાઈ હોય તો એક જ વસ્તુ - મણિના વાળ સફેદ થઈ ગયા છે, બસ! મેં મણિનું હુલામણું નામ પાડયું છે - 'અન્જારા મણિરત્નમ'. અન્જારા એટલે સવારના સાડાપાંચનો સમય. મણિ રોજ સવારે સાડાપાંચે સેટ પર અચૂક હાજર થઈ જ જાય છે. એની આ દાયકાઓ જૂની ટેવ છે.' આટલું કહીને કમલ હાસન ઉમેરે છે, 'મને મણિ અને એ.આર. રહેમાન અમુક બાબતોમાં બહુ સરખા લાગે છે. બન્ને માત્ર અને માત્ર સિનેમાની જ વાતો કરતા હોય છે. ક્યારેય કોઈ ગોસિપ નહીં, કોઈની કૂથલી નહીં. એક વસ્તુ હું આ બન્ને પાસેથી શીખ્યો છું - ઓછું બોલવું અને જરૂર પૂરતું જ બોલવું!'

કમલ હાસન આટલા બધા વખાણ કરે એટલે મણિરત્નમે પણ વ્યવહારે સામા વખાણ કરવા પડેને! તેઓ કહે છે, 'કમલ હાસનની અદભુત વાત એ છે કે તેઓ મેઇનસ્ટ્રીમ સિનેમામાં સંતુલન બનાવી રાખીને જૂનાપુરાણાં બીબાં તોડતાં રહે છે, સીમાડા વિસ્તારતા જાય છે. હું તમને થોડા દિવસો પહેલાંની જ એક વાત કહું. એક સાંજે તેઓ ડબિંગ માટે આવ્યા હતા ત્યારે કલાકો સુધી લેટેસ્ટ સાઉન્ડ ટેકનોલોજી વિશે વાત કરતા રહ્યા કે જે તેઓ અમેરિકાથી શીખીને આવ્યા છે. મારા માટે અને મારી આખી ટીમ માટે આ નવી વાત હતી. અમને ઘણું જાણવાનું મળ્યું. તમારે કમલ હાસનને ડિરેક્ટ કરવાના હોય એટલે સેટ પર તમારું અડધું કામ ઓછું થઈ જાય, કેમ કે તમારે એમને શોટમાં શું કરવાનું છે તે સમજાવવાની ખાસ જરૂર જ ન પડે. તમારે ફક્ત એટલું જ જોવાનું હોય કે તેઓ પોતાના કેરેક્ટરની બાઉન્ડ્રીની બહાર તો નથી ગયાને, ધેટ્સ ઇટ.' 

કમલ હાસન અને મણિરત્નમ એકબીજા માટે 'અહો રૂપમ્... અહો ધ્વનિ!'ના ટોનમાં વાત કરતા હોય તો પણ તેમની સાથે અસહમત થવાનું મન થતું નથી! આ બન્ને એક્ટરો-ડિરેક્ટરોની કેટલીય પેઢીઓ માટે રોલમોડલ રહ્યા છે. માત્ર સાઉથના જ નહીં,ભારતભરના કલાકારો એમની પાસેથી શીખતા રહે છે. કમલ હાસનની રાજકીય વિચારધારા કેવી છે,એમનો ઝુકાવ કોના તરફ છે ને એવી બધી વાતો એમની કળા સામે અપ્રસ્તુત બની જાય છે, ખરું?

Related News

Icon