
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત મંગળવારે મુંબઈની બાંદ્રા કોર્ટમાં તેની અને બોલિવૂડ ગીતકાર જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈના સમાધાન માટે યોજાયેલી મહત્ત્વપૂર્ણ મધ્યસ્થીમાંથી ગેરહાજર રહી હતી. રનૌતનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે અભિનેત્રી સંસદમાં હાજર હતી જેના કારણે તે કોર્ટમાં ન આવી શકી.
જોકે, અખ્તર વતી હાજર રહેલા એડવોકેટ જય કે ભારદ્વાજે કંગનાના હાજર રહેવા માટે બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જારી કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. ભારદ્વાજે કહ્યું કે કંગના રનૌત લગભગ 40મુખ્ય તારીખો પર ગેરહાજર હતા, જેના પર તેમને કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તેમણે તેમ ન કર્યું.
મેજિસ્ટ્રેટ આશિષ અવારીએ સિદ્દીકીને અરજીનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. સિદ્દીકીએ NBW જારી કરવાનો વિરોધ કર્યો. જોકે, મેજિસ્ટ્રેટે કંગનાને NBW જારી કરતા પહેલા એક છેલ્લી તક આપવાનું નક્કી કર્યું.
ડિસેમ્બર 2024માં, રનૌત અને અખ્તર બંનેએ આ મામલામાં મધ્યસ્થી કરવાનું નક્કી કર્યું. જોકે, આ હજુ સુધી થયું નથી. અખ્તર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર હતા, જ્યારે રનૌત સાંસદ તરીકે કામમાં વ્યસ્ત હતી અને તેથી કોર્ટમાં ન આવી શકી
શું છે આખો મામલો?
તમને જણાવી દઈએ કે રનૌત અને અખ્તર વચ્ચે કાનૂની લડાઈ માર્ચ 2016માં અખ્તરના નિવાસસ્થાને યોજાયેલી બેઠકથી શરૂ થઈ હતી. તે સમયે, રનૌત અને અભિનેતા ઋતિક રોશન એક ઈ-મેઈલની સાથે જોડાયેલા મામલાને કારણે સમાચારમાં હતા, જે જાહેર ઝઘડામાં ફેરવાઈ ગયું. ઋતિક રોશનના નજીકના ગણાતા જાવેદ અખ્તરે કંગના સાથે મુલાકાત કરાવવાની પહેલ કરી અને તેને ઋતિકની માફી માંગવા કહ્યું. કંગનાએ તાત્કાલિક કોઈ જવાબ ન આપ્યો. જોકે, 2020માં કંગનાએ એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન 2016માં અખ્તર સાથેની બેઠકનું વર્ણન કર્યું હતું.
અખ્તરને ઇન્ટરવ્યુ અપમાનજનક લાગ્યું અને બાદમાં તેમણે કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો. જ્યારે કંગનાએ અખ્તર વિરુદ્ધ વળતી ફરિયાદ દાખલ કરી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે માફી માંગવા માટે તેના પર અનુચિત દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કાનૂની વિવાદ વધુ વકર્યો. ડીંડોશી સેશન્સ કોર્ટે અખ્તર સામેની આ કાર્યવાહી પર સ્ટે મૂક્યો.