બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીના ઘરમાં ખૂબ જ ટૂંક સમયમાં કિલકારી ગુંજશે. શુક્રવારે, અભિનેત્રીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આગામી થોડા મહિનામાં બંને માતા-પિતા બનવાના છે. આ કપલને સોશિયલ મીડિયા પર ફેન્સ અને નજીકના લોકો તરફથી ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. પ્રેગ્નન્સીની જાહેરાત પછી, કિયારા અડવાણી પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી.
શનિવારે કિયારા અડવાણી મુંબઈના અંધેરી વિસ્તારમાં ફિલ્માલય સ્ટુડિયો પાસે જોવા મળી હતી. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કિયારાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા તેની વેનિટી વેન સામે પાપારાઝી માટે પોઝ આપી રહી છે. આ દરમિયાન તે વ્હાઈટ સમર આઉટફિટમાં જોવા મળી હતી. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો દેખાઈ રહ્યો હતો.
કિયારા-સિદ્ધાર્થે ફેન્સને આપી ગુડ ન્યુઝ
કિયારા અડવાણી અને તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ શુક્રવારે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે તેઓ માતા-પિતા બનવાના છે. ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં, આ કપલે એક ફોટો શેર કર્યો છે જેમાં તેઓ સફેદ મોજાની જોડી પકડીને જોવા મળે છે, જે માતા-પિતા બનવાના તેમના આનંદનું પ્રતીક છે.ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ આ કપલને અભિનંદન આપ્યા હતા.
2020માં મળ્યા હતા
તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થ 2020માં ફિલ્મ 'શેરશાહ' ના સેટ પર મળ્યા હતા અને ત્યાં જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જોકે, બંનેએ તેમના ડેટિંગની અફવાઓ પર મૌન જાળવી રાખ્યું હતું. વર્ષ 2023માં, કિયારા અને સિદ્ધાર્થે રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં જોવા મળશે
'શેરશાહ'માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિક્રમ બત્રા અને તેના જોડિયા ભાઈ વિશાલની ભૂમિકા ભજવી હતી, જ્યારે કિયારા અડવાણી વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાની ભૂમિકામાં જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થની આગામી ફિલ્મ જાહ્નવી કપૂર સાથે 'પરમ સુંદરી' છે.