
બોલીવુડમાં દેશભક્તિપૂર્ણ ફિલ્મો બનાવવાનો શ્રેય મનોજ કુમારને જાય છે. તેમણે પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો કરી, પરંતુ તેમની દેશભક્તિની ફિલ્મો કંઈક અલગ જ હતી. પોતાની ફિલ્મો દ્વારા તેમણે દેશ અને સમાજનું સત્ય દર્શકો સમક્ષ ઉજાગર કર્યું. મનોજ કુમારની આ ફિલ્મો સદાબહાર છે અને આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ચાલો આજે તેમની આવી ફિલ્મો વિશે જાણીએ જેમાં દેશ, સમાજ અને પરિવારના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
'શહીદ'
1965માં 'શહીદ' ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમાં મનોજ કુમારે શહીદ ભગત સિંહની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મ તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. 'શહીદ' ને હિન્દીની શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
'ઉપકાર'
મનોજ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઉપકાર', 1967માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ મનોજ કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, સ્ક્રીન પ્લે અને ડાયલોગ કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર બન્યા પછી, મનોજ કુમારનું નામ ભારત કુમારપડ્યું હતું.
'પૂરબ ઔર પશ્ચિમ'
1970માં રિલીઝ થયેલી ફિલ્મ 'પૂરબ ઔર પશ્ચિમ' નું દિગ્દર્શન મનોજ કુમારે જ કર્યું હતું. આ ફિલ્મે લોકોમાં દેશભક્તિના ઉત્સાહને ભરી દીધો હતો. આ ફિલ્મ વિદેશમાં રહેતા ભારતીયોની વાર્તા પર આધારિત હતી.
'રોટી કપડા ઔર મકાન'
મનોજ કુમારની ફિલ્મ 'રોટી કપડા ઔર મકાન' 1976માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આમાં, ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી દેશની બગડતી પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સામાન્ય માણસની ખોરાક, કપડા અને રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતો દર્શાવવામાં આવી હતી.
'ક્રાંતિ'
મનોજ કુમારની 1981ની ફિલ્મ 'ક્રાંતિ' પણ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. આમાં ભારતીયો પર અંગ્રેજોના અત્યાચારો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મનોજ કુમાર, દિલીપ કુમાર, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા અને શશિ કપૂરે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી.