
નરગીસ ફખરીએ તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અને અમેરિકા સ્થિત બિઝનેસમેન ટોની બેગ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. જોકે નરગીસે આ સમાચારની પુષ્ટિ નથી કરી, પરંતુ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. એક અહેવાલ મુજબ, લગ્ન ગયા વીકએન્ડમાં થયા હતા અને આ કપલ હવે સ્વિટ્ઝર્લૅન્ડમાં તેમના હનીમૂન પર છે. અહેવાલો અનુસાર, નરગિસના લગ્નનો કાર્યક્રમ કેલિફોર્નિયાની એક મોંઘી હોટલમાં યોજાયો હતો. ચાલો અહીં જાણીએ કે નરગીસનો પતિ ટોની બેગ કોણ છે?
નરગીસ ફખરીનો પતિ કોણ છે?
નગરીસ ફખરીના પતિ ટોની બેગનો જન્મ કાશ્મીરમાં થયો હતો અને તે એક સફળ બિઝનેસમેન અને ઇન્વેસ્ટર છે. તે ડિયોઝ ગ્રુપનો પ્રેસિડેન્ટ છે. આ સેલ્ફ મેળ બિઝનેસમેને મેલબોર્નની વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી MBA કર્યું છે. તેણે 2006માં પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને ત્યારથી તે એક સફળ બિઝનેસમેન બન્યો છે. ડિયોઝ ગ્રુપના પ્રેસિડેન્ટ તરીકે, તે એલાનિક, 8હેલ્થ અને ઓએસિસ એપેરલ સહિત અનેક કંપનીઓનું નિરીક્ષણ કરે છે. ટોની ટેલિવિઝન નિર્માતા જોની બેગનો ભાઈ છે. તેના પિતા, શકીલ અહેમદ બેગ, એક પ્રખ્યાત રાજકારણી છે, તેઓ અગાઉ જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, "નરગીસ અને ટોની બંનેએ ખાતરી કરી હતી કે લગ્નમાં કોઈ બંનેના ફોટા ન પાડે. આ એક ખૂબ જ ઈન્ટીમેટ ફંક્શન હતું. જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હતા." અહેવાલ મુજબ, સૂત્રએ એમ પણ કહ્યું કે આ કપલ હવે તેમના હનીમૂન માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. અભિનેત્રીના લગ્નના કેક અને સ્થળના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, ટોનીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર લગ્ન પછી નરગીસ સાથેની પોતાની પહેલી તસવીર પોસ્ટ કરી છે.
નરગીસ ફખરીનું વર્ક ફ્રન્ટ
અહેવાલો અનુસાર, નરગીસ ફખરી અને ટોની બેગ ત્રણ વર્ષથી ડેટ કરતા હતા. અમેરિકાની રહેવાસી નરગીસે 'રોકસ્ટાર' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેની ફિલ્મોગ્રાફીમાં 'મદ્રાસ કાફે', 'ફટા પોસ્ટર નિકલા હીરો', 'મૈં તેરા હીરો', 'સાગસમ', 'અઝહર', 'ઢિશૂમ' અને 'તોરબાઝ'નો સમાવેશ થાય છે. તે ટૂંક સમયમાં 'હરિ હરા વીરા મલ્લુ: ભાગ 1' અને 'હાઉસફુલ 5' માં જોવા મળશે.