બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કર હાલમાં જ ચર્ચામાં છે. તે મેલબોર્નમાં લાઈવ કોન્સર્ટમાં 3 કલાક મોડી પહોંચી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં, સિંગર સ્ટેજ પર રડતી અને રાહ જોવા બદલ દર્શકોનો આભાર માનતી જોવા મળે છે. જોકે, આ વીડિયો પર ઇન્ટરનેટ યુઝર્સની પ્રતિક્રિયા તદ્દન અલગ છે. પરંતુ નવાઈની વાત એ છે કે લાઈવ પ્રેક્ષકો નેહા કક્કરને રડવા બદલ ચીડવતા પણ જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ પણ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.
વીડિયોમાં નેહા કક્કર કહેતી સંભળાય છે કે, 'મિત્રો, તમે ખૂબ સારા છો. તમે ધીરજ રાખી છે. તમે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. મને તે નથી ગમતું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈને રાહ નથી જોવડાવી. તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. મને માફ કરો. આ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. મને આ સાંજ હંમેશા યાદ રહેશે. આજે તમે બધાએ મારા માટે ખૂબ જ કિંમતી સમય કાઢ્યો છે. હું વચન આપું છું કે હું તમને ડાન્સ કરવા મજબુર કરીશ.'
વીડિયોમાં, લાઈવ પ્રેક્ષકોમાંથી કેટલાક ગુસ્સામાં કહેતા જોઈ શકાય છે કે, 'પાછા જાઓ. હોટેલમાં આરામ કરો.' બીજો વ્યક્તિ કહે છે, 'આ ભારત નથી, તમે ઓસ્ટ્રેલિયામાં છો.' અન્ય કહે છે, 'અમે ૩ કલાક રાહ જોઈ.' સિંગરની મજાક ઉડાવતા અન્ય એક કહે છે કે, 'ખૂબ જ સારી એક્ટિંગ છે. આ ઈન્ડિયન આઈડોલ નથી. તમે બાળકો સાથે પરફોર્મ નથી કરી રહ્યા.'
ઉલ્લેખનીય છે કે મેલબોર્ન પહેલા નેહા કક્કરે સિડનીમાં પરફોર્મ કર્યું હતું, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની એક પોસ્ટ શેર કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે 'બદરી કી દુલ્હનિયા', 'સની સની', 'કોકા કોલા', 'ગર્મી', 'ગલી ગલી' જેવા ગીતો માટે જાણીતી છે.