
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેના શોમાં શિષ્ટાચાર જાળવવાની વાત કરી હતી. રણવીરે પોતાનો પાસપોર્ટ પાછો આપવાની માંગ કરી છે. તેણે કહ્યું કે ઘણા ઇન્ટરવ્યુના સંદર્ભમાં તેને વિદેશ પ્રવાસ કરવો પડે છે અને ઘણી મીટિંગમાં હાજરી આપવી પડે છે. રણવીરે દલીલ કરી હતી કે આનાથી તેની આજીવિકા પર અસર પડી રહી છે. જોકે, કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો તે વિદેશ જશે તો તેની તપાસ પર અસર પડશે.
રણવીર અલ્હાબાદિયા ઉપરાંત, આશિષ ચંચલાનીએ પણ પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માટે કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજી પણ ફગાવી દીધી હતી.
તપાસ ક્યાં સુધી ચાલુ રહેશે?
બેન્ચે કહ્યું કે જો અલ્હાબાદિયા વિદેશ જશે તો તેની તપાસ પર અસર પડશે. તેમણે મહારાષ્ટ્ર અને આસામ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને તપાસ પૂર્ણ કરવા માટેના સમયમર્યાદા વિશે પણ પૂછ્યું હતું. તુષાર મહેતાએ બે અઠવાડિયામાં તપાસ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું કે તેઓ બે અઠવાડિયા પછી પાસપોર્ટ જારી કરવા માટેની અલ્હાબાદિયાની વિનંતી પર વિચાર કરશે.
શરતો સાથે શો શરૂ કરવાની પરવાનગી
'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પર પોતાની અશ્લીલ અને વિવાદાસ્પદ કમેન્ટને કારણે વિવાદમાં ફસાયેલા રણવીરને સુપ્રીમ કોર્ટે 3 માર્ચે પોતાની પોડકાસ્ટ 'ધ રણવીર શો' ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ પરવાનગી એ શરતે આપવામાં આવી હતી કે તેમાં નૈતિકતા અને શિષ્ટાચાર જાળવી રાખવામાં આવે અને તેને તમામ ઉંમરના પ્રેક્ષકો માટે યોગ્ય બનાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને ફટકાર લગાવી
રણવીર અલ્હાબાદિયાએ કોમેડિયન સમય રૈનાના યુટ્યુબ શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં માતાપિતા વિશે અશ્લીલ કમેન્ટ કરી હતી. જે બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું, જ્યારે તેની કમેન્ટ બદલ તેને ઠપકો આપ્યો હતો.