
સિંગર નેહા કક્કરે તાજેતરમાં એક નિવેદન બહાર પાડીને મેલબોર્નમાં તેના કોન્સર્ટ માટે ત્રણ કલાક મોડા પહોંચવા બદલ થયેલી ટીકા અંગે વાત કરી હતી. તેણે દાવો કર્યો કે તેણે ફ્રીમાં પરફોર્મ કર્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે આયોજકો તેની ફી લઈને ભાગી ગયા હતા. જોકે, થોડા દિવસો પછી આયોજકોએ તેના પર 4.52 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો અને વધુમાં કહ્યું કે સિંગરે જ તેમને પૈસા ચૂકવવા જોઈએ.
નેહાના કારણે આયોજકોને નુકસાન થયું
શોના આયોજકો બીટ્સ પ્રોડક્શને નેહાના સિડની અને મેલબોર્ન કોન્સર્ટના ખર્ચનું લિસ્ટ શેર કર્યું હતું, જેમાં ખુલાસો થયો કે નેહાને તેની બિનવ્યાવસાયિકતાને કારણે માર્ગારેટ કોર્ટ એરેનામાંથી પ્રતિબંધિત કરવામાં આવી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને સિડની અને મેલબોર્નના ક્રાઉન ટાવર્સમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી કારણ કે કલાકારોએ આર્ટીસ્ટ રૂમમાં ધૂમ્રપાન કર્યું હતું, જે ઓસ્ટ્રેલિયામાં સખત પ્રતિબંધિત છે.
આયોજકોએ નેહાના દાવાઓને નકારી કાઢ્યા
અગાઉ, નેહાએ દાવો કર્યો હતો કે તેના માટે ખોરાક, પાણી કે હોટેલમાં રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે આયોજકોએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ બધી જરૂરી વ્યવસ્થા કરી લીધી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં નેહા એરપોર્ટ પર પહોંચતી, આયોજકોને મળતી અને કારમાં જતી જોવા મળી હતી.
આયોજકો પર નેહાનો આરોપ
આયોજકોએ કહ્યું, "આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે. આ શો પછી અમે ખૂબ દેવામાં ડૂબી ગયા છીએ. તેમણે જ અમને પૈસા આપવા જોઈએ. તેમને અમારી સાથે રાખવા એ ભૂલ હતી." અગાઉ, નેહા કક્કરની નોટમાં લખ્યું હતું, "શું તમે બધા જાણો છો કે મેં મેલબોર્નના દર્શકો માટે બિલકુલ મફતમાં પર્ફોર્મ કર્યું હતું? આયોજકો મારા અને બીજા લોકોના પૈસા લઈને ભાગી ગયા હતા. મારા બેન્ડને ખોરાક, હોટેલ અને પાણી પણ આપવામાં નહતું આવતું. મારા પતિ અને તેના મિત્રોએ જઈને તેમને ભોજન પૂરું પાડ્યું હતું. આ બધું હોવા છતાં, અમે સ્ટેજ પર ગયા અને કોઈપણ બ્રેક વિના શો કર્યો કારણ કે મારા ફેન્સ કલાકો સુધી મારી રાહ જોતા હતા."
શું છે આખો મામલો?
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે નેહાએ મેલબોર્નમાં તેના તાજેતરના કોન્સર્ટમાં માત્ર એક કલાક માટે પર્ફોર્મ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તે રડી પડી અને મોડા આવવા બદલ ફેન્સની માફી માંગી હતી. જોકે, તેને કોન્સર્ટમાં હાજર રહેલા લોકો તરફથી ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય સોશિયલ મીડિયા પર તેનો વીડિયો જોઈને યુઝર્સે તેના વર્તનને નાટક ગણાવ્યું હતું.