
વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'છાવા' રિલીઝના 14મા દિવસે પણ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. ભારતમાં 'છાવા' ની કમાણી 400 કરોડની નજીક પહોંચી ગઈ છે. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરતા જોવા મળે છે. જેમણે હજુ સુધી આ ફિલ્મ નથી જોઈ, તેઓ પણ ધીમે ધીમે થિયેટરમાં જઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન 'છાવા' સાથે સંબંધિત એક સમાચાર પ્રકાશમાં આવ્યા છે. 26 ફેબ્રુઆરીએ દિલ્હીના સિલેક્ટ સિટીવોક મોલમાં વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'નું સ્ક્રીનિંગ થિયેટરમાં આગ લાગવાના કારણે અટકાવવું પડ્યું હતું. આ અકસ્માત બાદ લોકો ડરી ગયા. જોકે, આ અકસ્માતમાં કોઈને નુકસાન નથી થયું.
દિલ્હી ફાયર સર્વિસીસ (DFS) ના અધિકારીએ જણાવ્યું હતું કે 'છાવા' ની સ્ક્રીનિંગ દરમિયાન સાંજે 5:44 વાગ્યે આગ લાગી હતી, જેના પગલે છ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ 10 મિનિટમાં કાબુમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાનિ નહતી થઈ. અહેવાલ મુજબ, મોલના પ્રવક્તાએ પાછળથી ઘટના વિશે વાત કરી અને કહ્યું કે તેઓ બાજુના મલ્ટિપ્લેક્સમાં શોર્ટ સર્કિટથી વાકેફ હતા. તેમણે મલ્ટિપ્લેક્સ ટીમ અને અધિકારીઓને સપોર્ટ કરવાની વાત કરી છે.
આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી હતી
પીટીઆઈ અનુસાર, પોલીસને આગ લાગવાના અહેવાલો મળ્યા હતા અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે કેટલાક લોકો અંદર ફસાયેલા છે. તાત્કાલિક ઈમરજન્સી ટીમો રવાના કરવામાં આવી અને તેમણે આગ ઓલવી નાખી હતી. આ સમય દરમિયાન કોઈને ઈજા નથી થઈ. ત્યાં હાજર લોકોએ આગ પછી થયેલા હંગામા વિશે પણ જણાવ્યું હતું.
'છાવા' 14 ફેબ્રુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા મરાઠી નવલકથા 'છાવા' પર આધારિત છે. ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ દ્વારા મરાઠા સામ્રાજ્યના સ્થાપકના મોટા પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવનને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર 'છાવા' સાથે બે વર્ષ પછી કમબેક કરી રહ્યો છે.