
ગયા અઠવાડિયે રાજસ્થાનના જયપુરમાં આયોજિત IIFA એવોર્ડ્સમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. એવોર્ડ સમારોહની 25મી એડિશનનું હોસ્ટિંગ કાર્તિક આર્યન અને કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન, કરીના કપૂર અને નોરા ફતેહીએ તેમના શાનદાર પરફોર્મન્સથી એવોર્ડ નાઈટને વધુ ખાસ બનાવી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIFA એવોર્ડ્સ 2025ના 25 વર્ષ પૂર્ણ થવા પર સિનેમા સાથે સંકળાયેલા લોકોને અભિનંદન આપવા માટે એક ખાસ સંદેશ લખ્યો છે અને આગામી એડિશન વિશે પણ વાત કરી છે. તેમણે એવોર્ડ શોની સફળતા માટે પણ શુભેચ્છા પાઠવી હતી.
IIFAની સિલ્વર જ્યુબિલી પર નરેન્દ્ર મોદીનો સંદેશ
IIFA ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જારી કરાયેલ પત્ર શેર કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું હતું કે, 'મને ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સની 25મી એડિશન વિશે જાણીને આનંદ થયો. અઢી દાયકાની આ સફર એ બધા લોકોની મહેનતને પ્રતિબિંબિત કરે છે જેમણે IIFAને ખરેખર યાદગાર બનાવ્યું છે - નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, સંગીતકારો, ટેકનિશિયનો અને સિનેમા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિએ આ એવોર્ડ્સને શ્રેષ્ઠ રીતે રજૂ કર્યો છે.' આગળ લખ્યું છે કે, 'IIFA જેવા પ્લેટફોર્મ ખાતરી કરે છે કે આવી સિનેમેટિક પ્રતિભાની ઉજવણી થાય અને તેમને પ્રોત્સાહન મળે. IIFAની આ 25મી એડિશનખૂબ જ સફળ રહી છે. આ આગામી 25 વર્ષના વિકાસ અને સિદ્ધિ માટે પ્રેરણા છે.'
IIFA 2025 ટીવી પર ક્યારે ટેલિકાસ્ટ થશે?
આ વર્ષે 8 અને 9 માર્ચે જયપુરમાં ડિજિટલ ફિલ્મ એવોર્ડ્સ અને થિયેટ્રિકલ રિલીઝ માટે બે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 'લાપતા લેડીઝ' ને 10 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ મળ્યા હતા. આ એવોર્ડ શો 16 માર્ચ, રવિવારના રોજ ઝી ટીવી પર જોઈ શકાશે. તે રાત્રે 8:00 વાગ્યે ટેલિકાસ્ટ થશે. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે કરણ જોહરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલ મેસેજ વાંચીને એવોર્ડની શરૂઆત કરી હતી.