
લાંબા સમયથી માત્ર બોલિવુડમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા પ્રાપ્ત કરનાર અભિનેતા રજત કપૂરે 'મૉન્સૂન વેડિંગ', 'દિલ ચાહતા હૈ', 'મિથ્યા' જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં પોતાની આગવી છાપ છોડી છે. એટલું જ નહીં, 'રઘુ રોમિયો', 'મિકસ્ડ ડબલ', 'મિથ્યા', 'આંખોં દેખી', 'આરકેઆરકે' જેવી ફિલ્મો બનાવીને રજત કપૂરે પુરવાર કરી બતાવ્યું કે દિગ્દર્શક તરીકે પણ તેઓ જરાય કાચા નથી.
જોકે જ્યારે કોઈ કલાકાર અભિનેતા અને નિર્દેશક, બંને રીતે શ્રેષ્ઠ હોય ત્યારે એવો પ્રશ્ન થવો સહજ છે કે શું તેઓ કેમેરા પાછળ હોય ત્યારે તેમની અંદર બેઠેલો દિગ્દર્શક ચંચુપાત કર્યા વિના રહે ખરો? આના જવાબમાં રજત કહે છે કે ના, હું તે વખતે પ્રયત્નપૂર્વક મારી અંદર ધબકતા દિગ્દર્શકને શાંત કરી દઉં છું. હું એવો વિચાર નથી કરતો કે જો હું કેમેરા પાછળ હોત તો આ રીતે કે તે રીતે ફિલ્માંકન કરત. હા, કોઈક દ્રશ્ય પર સલાહ આપવા જેવી લાગે તો આપું ખરો. પરંતુ દિગ્દર્શકને તે મંજૂર ન હોય તો હું આગ્રહ ન કરું. સામાન્ય રીતે હું કેમેરા સામે હોઉં ત્યારે દિગ્દર્શક કહે તેમ જ કરું છું.
રજતને 'તરાના', 'હિપ્નોથિસિસ', 'રઘુ રોમિયો' જેવી ત્રણ ત્રણ ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યાં છે. ત્રણ નેશનલ એવૉર્ડ મળવા કોઈ નાનીસુની સિધ્ધિ ન ગણાય. પરંતુ રજતને તેનું જરાય અભિમાન નથી. કે નથી તે ઉત્સાહમાં આવી જઈને ઉછળતો. તે કહે છે કે ખરૃં કહું તો વિશ્વભરમાં હું માત્ર સાતથી આઠ જણની સરાહનાની પરવા કરું છું. આનું કારણ એ છે કે મને તેમના પ્રત્યે પ્રેમ, સન્માન છે. આવા લોકોમાં મારી પત્ની પણ સામેલ છે. જો મારી ફિલ્મ તેમને ગમી જાય તો એ મારા માટે પુરસ્કાર સમાન હોય છે. મારા આ આપ્તજનોની પ્રશંસા મળ્યા પછી અન્ય પાંચ હજાર કે પાંચ લાખ દર્શકો મારી પ્રશંસા કરે તેને હું મારું બોનસ ગણું છું.
તાજેતરમાં જ રજતની વેબ સીરિઝ 'ખૌફ' રજૂ થઈ. આ સીરિઝમાં અભિનેતાએ વધુ એક વખત નેગેટિવ ભૂમિકા ભજવી છે. આ પ્રકારનો રોલ કરવા બદલ રજત કહે છે કે તેમાં મારી ભૂમિકા એકદમ હીન વ્યક્તિની છે. એક કલાકાર તરીકે મને આ કિરદાર અત્યંત પડકારજનક અને કેટલાક અંશે ડરામણું પણ લાગ્યું હતું. વાસ્તવમાં આવા રોલ કરવાની તક ભાગ્યે જ મળતી હોય છે. સ્વાભાવિક રીતે જ મેં આ પાત્ર ભજવવાની તક ઝડપી લીધી હતી. વળી હું મારી એક જ પ્રકારની ઈમેજથી કંટાળી પણ ગયો હતો. અભિનેતા વધુમાં કહે છે કે વર્ષ ૨૦૦૬માં મેં કોર્પોરેટ ફિલ્મ કરી ત્યાર પછી મને લાગલગાટ એવી જ ભૂમિકાઓ મળી રહી હતી. આમ જ્યારે મારા કોઈ રોલને બહોળો પ્રતિસાદ મળતો ત્યારે મને એવા જ કિરદારોની ઑફરો આવ્યાં કરતી. અને હું એક જ પ્રકારના પાત્રો પાછા વાળી વાળીને પણ કંટાળી ગયો હતો. પરંતુ આ પાત્ર મને વેગળું અને પડકારજનક લાગ્યું તેથી મેં તે ભજવવાનો મોકો હાથથી ન જવા દીધો.