
સલમાન ખાનની સિકંદર ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. પરંતુ અભિનેતા બોક્સ ઓફિસ પર ફરી એક વખત નિષ્ફળ પુરવાર થયો છે. રવિવારે રિલીઝના દિવસે ફક્ત ૨૬ કરોડ રૂપિયાનું કલેકશન થયું હતું. હવે થિયેટરોને દર્શકો ન મળતાં સિકંદર ફિલ્મને ઉડાવી દેવામાં આવી રહી છે અને તેના સ્થાને અન્ય ફિલ્મ મુકી દેવામાં આવી છે. જોકે બાંદરાના થિયેટરોમાં શો વધારવામાં આવ્યાની પરિસ્થિતિ ઊભી થઇ છે. પરંતુ સુરત, અમદાવાદ, ભોપાલ તેમજ ઇંદોરના મોટા ભાગના થિયેટરોમાં ફિલ્મને રિપ્લેસ કરવામાં આવી છે.
રિલીઝના પ્રથમ બે દિવસોમાં ફિલ્મના શોને રદ કરવામાં આવ્યા નહોતા. પરંતુ થિયેટરોમાં દર્શકોની સંખ્યા બહુ ઓછી જોવા મળી હતી. જે શહેરોમાં ઇદના તહેવારનું મહત્વ નથી, તેવા એરિયામાં થિયેટરોમાં દર્શકોની સંખ્યા બહુ ઓછી જોવા મળી રહી છે.
સુરતમાંના એક થિયેટરમાં સિકંદરના સ્થાને ગુજરાતી ફિલ્મ ગોઠવી દેવામાં આવી હતી. જોકે મુંબઇના બાંદરામાંના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં સિકંદર સારો વ્યવસાય કરી રહી હોવાથી શોમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે દક્ષિણ મુંબઇમાં સિકંદરના રાતના શોને રદ કરવા પડયા છે. ખાસ કરીને નરીમાન પોઇન્ટના એક થિયેટર અને મેટ્રો ઇનોક્સે ધ ડિપ્લોમેટ ફિલ્મ દર્શાવાનું શરૂ કરી દીધું હોવાના રિપોર્ટ છે.