
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગત વર્ષે જૂન મહિનામાં એક પ્રાઈવેટ સેરેમનીમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. સૌથી વધુ ચર્ચા એ વાતની હતી કે શું સોનાક્ષી લગ્ન પછી પોતાનો ધર્મ બદલશે? હવે લગ્નના 9 મહિના બાદ અભિનેત્રીએ આ વિશે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે, "અમે અમારા સબંધમાં ધર્મને ક્યારેય વચ્ચે નથી આવવા દીધો અને ન તો કોઈએ એક-બીજાને પોતાનો ધર્મ બદલવા માટે કહ્યું. અમે ક્યારેય ધર્મ વિશે વાત જ નથી કરી."
એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષીએ કહ્યું કે, 'અમે ક્યારેય ધર્મ વિશે વિચાર્યું જ નથી. અમે માત્ર બે એવા લોકો છીએ જે એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. ઝહીરે ક્યારેય તેનો ધર્મ મારા પર નથી થોપ્યો અને મેં પણ મારો ધર્મ તેના પર નથી થોપ્યો. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. મેં સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) હેઠળ લગ્ન કર્યા હતા, તેથી મને ધર્મ બદલવાની જરૂર જ ન પડી."
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કર્યા લગ્ન
તેણે કહ્યું કે, "અમારા માટે શ્રેષ્ઠ રસ્તો એ જ હતો કે અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરીએ. હું એક હિન્દુ છોકરી તરીકે જેવી હતી એવી જ રહી અને ઝહીર મુસ્લિમ છોકરા જેવો જ રહ્યો. લગ્નનો અર્થ માત્ર બે લોકોનો પ્રેમ અને સાથે આવવાનો હતો. અમારી વચ્ચે ક્યારેય ધર્મ બદલવાનો તો સવાલ જ નથી આવ્યો. અમારા માટે પ્રેમ સૌથી મહત્ત્વનો હતો." ખાસ વાત એ છે કે સોનાક્ષી અને ઝહીરે લગ્ન માટે એ જ તારીખ પસંદ કરી જ્યારે તેમણે 7 વર્ષ પહેલા એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
બંને પોત-પોતાના રીતિ-રીવાજો નિભાવે છે
સોનાક્ષીએ જણાવ્યું કે, "અમે એકબીજાની પારિવારિક પરંપરાઓનું સન્માન કરીએ છીએ. તે તેમના રીતિ-રિવાજોનું પાલન કરે છે અને હું મારા રીતિ-રિવાજોનું પાલન કરું છું. આ પરસ્પર સમજણ અને આદર એ જ સફળ સંબંધની ઓળખ છે." કરિયરની વાત કરીએ તો સોનાક્ષી ગત વર્ષે હોરર કોમેડી ફિલ્મ 'કાકુડા'માં દેખાઈ હતી, જેમાં રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ પણ તેની સાથે હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થઈ હતી.