
ઘણા કલાકારો એવા છે જે બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવવાનું સ્વપ્ન જુએ છે. જોકે, દરેકનું આ સ્વપ્ન સાકાર નથી થતું. પરંતુ ઘણા એવા છે જેમણે હાર ન માની અને પોતાના સ્વપ્નને સાકાર કર્યું. આવા કલાકારોમાં એક નામ રાજપાલ યાદવનું પણ છે. જે આજે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
રાજપાલ યાદવ ફક્ત પોતાના અભિનયથી જ નહીં પરંતુ પોતાની કોમેડીથી પણ લોકોનું મનોરંજન કરે છે. જ્યારે પણ તે પડદા પર દેખાય છે, લોકો તેનો કોમેડી અવતાર જોઈને હસવા લાગે છે. તેના બાળપણનો એક કિસ્સો ખૂબ પ્રખ્યાત છે. તેણે પોતે આ અંગે ખુલાસો કર્યો હતો. વાત એવી છે કે એક વખત તેની પાસે 5 રૂપિયા હતા, ત્યારે તે પોતાને રાજા માનવા લાગ્યો હતો.
65 કિલોમીટર દૂર શાળાએ જતો હતો
યુપીના શાહજહાંપુરમાં જન્મેલા રાજપાલ યાદવનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેણે પોતે ઘણીવાર કહ્યું છે કે તે ગામડાથી શહેરની શાળામાં જવા માટે લિફ્ટ લેતો હતો. મોટાભાગે, તે ટ્રક દ્વારા શાળાએ જતો હતો. શાળા તેના ઘરથી 65 કિલોમીટર દૂર હતી. ઘણીવાર એવું બન્યું કે તે 65 કિલોમીટર સાયકલ ચલાવીને પણ શાળાએ ગયો હતો.
તેણે એકવાર કહ્યું હતું કે તે તેના મોટા ભાઈ શ્રીપાલ સાથે શાળાએથી પાછો ફરી રહ્યો હતો. ઘણું મોડું થઈ ગયું હતું તેથી તેને લિફ્ટ ન મળી. તેનું ખિસ્સું સાવ ખાલી હતું. તેના ખિસ્સામાં એક પણ રૂપિયો નહતો. જોકે તેના ભાઈ પાસે એક રૂપિયો હતો. પછી રાજપાલનું ધ્યાન એક દુકાન પર ગયું જ્યાં લોટરી વેચાઈ રહી હતી. રાજપાલે તેના ભાઈ પાસેથી તે એક રૂપિયો લીધો અને લોટરી ખરીદવા ગયો.
બીજા દિવસે જ્યારે રાજપાલ શાળાએ જવા માટે શહેર ગયો, ત્યારે પણ તેણે તે દુકાનની મુલાકાત લીધી. તેને ખબર પડી કે એક રૂપિયાની લોટરી ટિકિટના બદલામાં તેણે 65 રૂપિયાનું ઈનામ જીત્યું છે. રાજપાલે જણાવ્યું હતું કે 65 રૂપિયામાંથી તેણે 50 રૂપિયા તેના ભાઈને આપ્યા હતા અને 10 રૂપિયાની ફરીથી લોટરી ટિકિટ ખરીદી હતી. તેણે પોતાની પાસે 5 રૂપિયા રાખ્યા.
મોટા ભાઈએ ઠપકો આપ્યો હતો
તેણે કહ્યું કે જ્યારે તેના ખિસ્સામાં 5 રૂપિયા હતા, ત્યારે તે રાજા જેવો અનુભવ કરવા લાગ્યો હતો. તે પોતાને રાજા માનવા લાગ્યો હતો. જોકે, તેના મોટા ભાઈએ તેને ખૂબ ઠપકો આપ્યો હતો. તેના ભાઈએ તેને ફરી લોટરી ખરીદવાની સ્પષ્ટ મનાઈ કરી હતી. આજે રાજપાલની ગણતરી બોલિવૂડના મોટા હાસ્ય કલાકારોમાં થાય છે. તેને કોઈ પણ વસ્તુની કમી નથી. એક અહેવાલ મુજબ, તેની પાસે 50 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.