
હિતેન તેજવાણી ગુજરાતી ફિલ્મ ભણી
સંખ્યાબંધ ટીવી. સીરિયલોમાં કામ કરીને ઘર ઘરમાં જાણીતા બનેલા હિતેન તેજવાણીએ પછીથી હિન્દી ફિલ્મો અને ઓટીટી જેવા અલગ અલગ માધ્યમોમાં કામ કર્યું. મઝાની વાત એ છે કે હવે તે ટૂંક સમયમાં રજૂ થનારી ગુજરાતી ફિલ્મ 'સંઘવી એન્ડ સન્સ'માં પણ આવી રહ્યો છે. જોકે હિતેન કબૂલે છે કે ગુજરાતી ભાષામાં સંવાદો બોલવાનું તેને અઘરુ પડયું હતું. તે કહે છે કે હું ગુજરાતી સમજી શકતો હતો. પણ બોલવાનો મહાવરો નહોતો. હું સેટ પર જ મારા સંવાદો બોલતા શીખ્યો હતો. પણ મને તેમાં મોજ પડતી હતી. અભિનેતા થવાની આ જ તો ખરી મઝા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેને બે વર્ષના અંતરાલ પછી આ વર્ષે 'મેરી ભવ્ય લાઈફ'ના માધ્યમથી ટીવી પર વાપસી કરી હતી. હિતેન મૂળ સીરિયલનો સમય યાદ કરતાં કહે છે કે આ ધારાવાહિકે અને અસંખ્ય સંભારણાં આપ્યાં છે. આ શોને પગલે મારી કારકિર્દીને મહત્વનો વળાંક મળ્યો હતો. હું એક સીરિયલમાં કામ કરતો હતો તે પૂરી થઈ કે તરત જ મને આ ધારાવાહિક માટે બોલાવવામાં આવ્યો તે વખતે ખબર પણ નહોતી કે મને તેમાં શું કરવાનું છે.
પાર્થ સમથાનને મળ્યું યાદગાર ફેરવેલ
અભિનેતા પાર્થ સમથાને 'સીઆઈડી-૨'માં 'એસીપી આયુષમાન'નો નાનો છતાં મહત્વનો રોલ અદા કર્યો હતો. અને જ્યારે આ શોમાં તેનું કામ પૂરું થઈ ગયું. ત્યારે 'સીઆઈડી-૨'ના સઘળા કલાકાર-કસબીઓએ અભિનેતાને યાદગાર વિદાય આપી હતી. તેમના સ્નેહથી ગદગદિત થઈ ઉઠેલા પાર્થે પછીથી સોશ્યલ મીડિયા પર આ ટીમ માટે એક સુંદર પોસ્ટ મૂકી હતી. અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેંડલ પર બિહાઇન્ડ ધ સીન (બીટીએસ) ફોટાઓ મૂકવા સાથે લખ્યું હતું કે તે હમેશાંથી આ ક્રાઈમ શોમાં 'દયા'નું કિરદાર અદા કરતાં દયાનંદ શેટ્ટી અને 'અભિજીત'નું પાત્ર ભજવતા આદિત્ય શ્રીવાસ્તવનો જબરો પ્રશંસક રહ્યો છે. આ શોની આખી ટીમ સન્માનનીય છે. આજની તારીખમાં આટલા ભલા અને પ્રેમાળ લોકો ભાગ્યે જ જોવા મળે. અભિનેતાએ પોતાના ફેરવેલ દરમિયાન કેક કાપ્યું હતું તેનો વિડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો.
રેટિંગની ચિંતા નથી : અર્જિત તનેજા
છેલ્લે 'કૈસે મુઝે તુમ મિલ ગયે'માં જોવા મળેલા અભિનેતા અર્જિત તનેજાને નવો શો હાથ ધરવાની જરાય ઉતાવળ નહોતી. આ કારણે જ 'ઝનક'માં ૨૦ વર્ષનો લીપ આવ્યા પછી જ્યારે તેને તેમાં મુખ્ય ભૂમિકા ભજવવાની ઑફર આવી ત્યારે તે તેમાં કામ કરવા બાબતે અવઢવમાં હતો. અર્જિત કહે છે કે સામાન્ય રીતે હું ચાલુ શોમાં પ્રવેશતા ખચકાઉં છું. મને હમેશાંથી એમ લાગે છે કે દર્શકો તેના મૂળ કલાકારો સાથે ખરા હૃદયથી જોડાઈ ગયા હોય છે. વળી મેં અગાઉ જે કિરદાર ભજવ્યું હોય છે તેની માનસિક અસરમાંથી બહાર આવવા માટે પણ મને થોડા સમયની જરૂર હોય છે. આમ છતાં કેટલીક વખત તમને સમયના વહેણ સાથે વહેવું પડે છે. મેં પણ આ કારણે જ આ શોમાં કામ કરવાનું સ્વીકારી લીધું. અહીં એ વાતની નોંધ પણ લેવાઈ રહી કે કેટલીક વખત જાણીતો કલાકાર ચાલુ શોમાં જોડાય ત્યારે તેના ટીઆરપીમાં ઉછાળો આવતો હોય છે.
અવિકા ગોરે સગાઈ કરી લીધી
ટચૂકડા પડદાની 'આનંદી' તરીકે ઓળખાતી અભિનેત્રી અવિકા ગોરે તેના લાંબા સમયના પ્રેમી મિલિન્દ ચાંદવાણી સાથે તાજેતરમાં જ સગાઈ કરી લીધી છે. ધારાવાહિક 'બાલિકા વધૂ'ની ગોળમટોળ ગાલ અને બોલકણી આંખોવાળી 'આનંદી', એટલે કે અભિનેત્રી અવિકા ગોરે પછીથી 'સસુરાલ સીમર કા' તેમ જ અન્ય ધારાવાહિકોમાં પણ કામ કર્યું. આમ છતાં વર્ષો પછી પણ તે આનંદી તરીકે જ ઓળખાય છે. તે લાંબા સમયથી કોર્પોરેટ પ્રોફેશનલ મિલિન્દ ચાંદવાણીના પ્રેમમાં છે. અદાકારા કહે છે કે મિલિન્દ અને હું એક દિલ બે જાન છીએ. તે બહુ સમજદાર અને પરિપક્વ છે.
અમે ઘણાં સમયથી સગાઈ કરવાનો વિચાર કરતાં હતાં. પરંતુ મિલિન્દ ઇચ્છતો હતો કે અમે બંને એકમેકને સારી રીતે ઓળખી લઈએ ત્યાર પછી જ સંબંધને આગળ વધારીએ. તેથી વર્ષોની દોસ્તી પછી તાજેતરમાં અમે મારી ઇચ્છા મુજબ માત્ર પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી. અને ટૂંક સમયમાં અમે અમારા લગ્નની તારીખ પણ નક્કી કરી લઈશું. જોકે આ વર્ષના અંત સુધીમાં જ પરણી જવાનો અમારો વિચાર છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે મિલિન્દ તેના કામ માટે બેંગલુરુ રહે છે. જ્યારે અવિકા મુંબઈમાં. આમ છતાં અભિનેત્રી મિલિન્દને બેંગલુરુ છોડીને મુંબઈ આવવાનો આગ્રહ કરવા નથી માંગતી. તે કહે છે કે આ વર્ષો દરમિયાન મને સમજાયું છે કે સારો સાથી તમારો શ્રેષ્ઠ મિત્ર પણ હોય તો તે તમારા શમણાં પૂરાં કરવામાં તમને સહકાર આપે. મિલિન્દ હમેશાંથી મારાં સપનાંનો પણ સાથી રહ્યો છે. વળી હું મારી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવા માટે પુષ્કળ પ્રવાસ કરતી રહું છું. અને મિલિન્દના માતાપિતાનું ઘર હૈદરાબાદમાં છે તેથી હું તેમની સાથે અવારનવાર રહી શકીશ.