
બેટિંગ એપ કૌભાંડ કેસમાં કથિત સંડોવણી બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અભિનેતા વિજય દેવેરાકોન્ડા અને રાણા દગ્ગુબાતી સહીત 29 સેલિબ્રિટીઝ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રકાશ રાજ, મંચુ લક્ષ્મી, નિધિ અગ્રવાલ, અનન્યા નાગલ્લા અને શ્રીમુખીનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, EDનો કેસ હૈદરાબાદ સાયબરાબાદ પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે. ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને સમર્થન આપવા બદલ પોલીસે તેલંગાણામાં લોકપ્રિય કલાકારો અને YouTubers સહિત અનેક સેલિબ્રિટીઝ સામે કેસ નોંધ્યો હતો. બિઝનેસમેન ફણીન્દ્ર શર્માની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે, સટ્ટાબાજીમાં ભાગ લેતી વખતે ઘણા લોકો આવી એપ્સનો ભોગ બન્યા હતા. તેઓએ તેમની બચત ગુમાવી હતી. તેમણે સેલિબ્રિટીઓ પર આરોપ લગાવ્યો કે તેઓ આવી એપ્સને પ્રમોટ કરવા માટે મોટી રકમ સ્વીકારે છે, જેનાથી લોકો, ખાસ કરીને જેઓ પહેલાથી જ નાણાકીય સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, તેઓ રોકાણ કરવા માટે વધુ પ્રભાવિત થાય છે, જેના પરિણામે નાણાકીય નુકસાન થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસે BNS, IT એક્ટ અને ઓનલાઈન છેતરપિંડી સંબંધિત કાયદાઓની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.