
સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાનો શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં પહોંચેલા યુ ટ્યુબર રણવીર અલ્હાબાદિયાની માતા-પિતા પર કરવામાં આવેલી અશ્લીલ કોમેન્ટ બાદ વિવાદ થયો છે. વિવાદની અસર સમય રૈનાના અપકમિંગ શો પર પણ જોવા મળી રહી છે. સમય રૈનાના ગુજરાતમાં યોજાનારા શોને પણ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને લઇને મુંબઇ પોલીસે ફરિયાદ પણ નોંધી છે. આ ઘટનાની તપાસ માટે મુંબઇ પોલીસની એક ટીમ ખાર સ્ટુડિયો પણ પહોંચી હતી જ્યાં આ શોનું શૂટિંગ થયું હતું.કોમેડીના નામે અશ્લિલ કન્ટેન્ટ પીરસતા નવા નવા યુ ટ્યુબરનો રાફડો ફાટી નીકળ્યો છે.
રણવીર અલ્હાબાદિયાને કારણે થયો વિવાદ
સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પોતાના બોલ્ડ કન્ટેન્ટને કારણે ચર્ચામાં રહે છે.આ શોના લેટેસ્ટ એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વા મખીજા અને આશીષ ચંચલાની પહોંચ્યા હતા. આ શોમાં રણવીરે એક કંટેસ્ટન્ટને અશ્લીલ સવાલ કર્યો હતો. રણવીરે પૂછ્યું, 'શું તમે આખી જિંદગી રોજ પોતાના પેરેન્ટ્સને ઇન્ટીમેટ થતા જોવા માંગો છો કે પછી એક વખત તેમને જોઇન કરવા માંગો છો?'
રણવીર અલ્હાબાદિયાનું આ નિવેદન વિવાદમાં આવી ગયું હતું અને ચારે તરફ તેની ટીકા થઇ રહી છે. વિવાદ વધતા રણવીરે માફી પણ માંગી હતી. રણવીરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કહ્યું કે કોમેડી તેનું જોનર નથી, તેને શોમાં કહ્યું કે કહેવું જોઇતું નહતું. તે પોતાની વાત પર માફી માંગે છે.
સમય રૈનાએ વિવાદ પર શું કહ્યું?
સમય રૈનાએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને જણાવ્યું કે યુ ટ્યુબ પરથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ વીડિયો હટાવી દીધા છે. સમય રૈનાએ જાણકારી આપતા લખ્યુ- 'અહીં જે કઇ પણ થઇ રહ્યું છે તે બધુ ઝેલવુ મુશ્કેલ બની ગયું છે. મે પોતાની ચેનલ પરથી ઓલ ઇન્ડિયા ગોટ લેટેન્ટના વીડિયો હટાવી દીધા છે. મારો એકમાત્ર અર્થ લોકોને હસાવવાનો હતો અને સારો સમય વિતાવવાનો હતો. હું તમામ એજન્સી સાથે કોઓપરેટ કરવા માટે તૈયાર છું.'
વિવાદ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શું કહ્યું?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.ફડણવીસે કહ્યું, "મને પણ આ વિશે માહિતી મળી છે પણ મેં હજુ સુધી તે જોઈ નથી. કેટલીક વાતો ખૂબ જ ખરાબ રીતે કહેવામાં અને રજૂ કરવામાં આવી છે. મને પણ આ વાતની ખબર પડી છે. જે કહેવામાં આવ્યું તે બિલકુલ ખોટું છે.આ યોગ્ય નથી. આપણા સમાજમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ તેનો ભંગ કરે છે, તો તે ખૂબ જ ખોટું છે. જો આવું કંઈ થશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે."
પહેલા પણ વિવાદમાં રહ્યો છે આ શો
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો પ્રથમ વખત વિવાદમાં આવ્યો નથી. આ પહેલા પણ આપત્તિજનક ટિપ્પણીઓ માટે આ વિવાદમાં આવી ચુક્યો છે. કોમેડિયન જેસી નબામે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અરૂણાચલ પ્રદેશના લોકોના શ્વાનના માસ ખાવા વિશે ટિપ્પણી કરી હતી જેના પર વિવાદ ઉભો થયો હતો.આ સિવાય એક અન્ય શોમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની પ્રેગનન્સી અને ડિપ્રેશનની પણ મજાક ઉડાવવામાં આવી હતી. તે બાદ સમય રૈનાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો.
કોણ છે રણવીર અલ્હાબાદિયા?
રણવીર અલ્હાબાદિયા યૂ ટ્યુબર છે. તે 'બીયરબાઇસેપ્સ'ના નામથી યૂ ટ્યુબ ચેનલ ચલાવે છે અને વિવિધ સેલિબ્રિટીઓ સાથે પોડકાસ્ટ કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને નેશનલ ક્રિએટર એવરો્ડથી માર્ચ 2024માં સન્માનિત પણ કર્ય હતો. વર્ષ 2022માં તેને ફોર્બ્સ અંડર 30 એશિયાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. રણવીરે 22 વર્ષની ઉંમરમાં પોતાની પ્રથમ યૂ ટ્યુબ ચેનલ ખોલી હતી. હવે તે સાત ચેનલોનું સંચાલન કરે છે, તેના એક કરોડ કરતા વધુ સબ્સક્રાઇબર છે.
કોણ છે સમય રૈના?
સમય રૈના સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અને સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે યુ ટ્યુબ પર ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના નામથી શો ચલાવે છે. મૂળ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી સમય રૈનાના 70 લાખથી વધુ યૂ ટ્યુબ ફોલોઅર છે. સમય રૈનાની કમાણી કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે.
દિગ્ગજ લોકોએ યૂ ટ્યુબરની કરી ટીકા
અનેક ફિલ્મી હસ્તીઓએ પણ યૂ ટ્યુબ શો પર કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીની ટીકા કરી છે.
એઆર રહેમાન:'મને લાગે છે કે, ગત અઠવાડિયે આપણે જોયું કે મોઢું ખોલવા પર શું થાય છે'
બોની કપુર: પ્રોડ્યુસર બોની કપુરે કહ્યું, "તેમણે જે કર્યું તેનું હું બિલકુલ સમર્થન કરતો નથી. કેટલીક મર્યાદાઓ હોવી જોઇએ, સેલ્ફ-સેન્સરશીપ પણ હોવી જોઇએ."
રાજપાલ યાદવ: 'આવા વીડિયો જોવા ખૂબ જ શરમજનક છે. આપણો દેશ સંસ્કૃતિનો દેશ છે અને જ્યારે પણ હું આવા વીડિયો જોઉં છું ત્યારે મને ખૂબ શરમ આવે છે. મને સમજાતું નથી કે આજના યુવાનો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કેવા શોર્ટકટ અપનાવી રહ્યા છે.'
જાવેદ અખ્તર:જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે કોમેડી માટે ગાળો કેટલી મહત્ત્વપૂર્ણ છે? જવાબમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, 'મેક્સિકો, રાજસ્થાન, ઓરિસ્સા અને દુનિયાનો દરેક ભાગ જ્યાં ગરીબીને કારણે ખોરાક ખૂબ જ સરળ મળે છે.' આ સાદા ખોરાકનો આનંદ માણવા માટે સ્વાદ જરૂરી છે. તેથી આ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે તેમાં ગરમાગરમ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગાળ પણ પણ ભાષાના મરચા જેવું છે. જ્યારે પણ તમારી ભાષા ઉતરી રહી છે તો તેમાં ગાળ જોડી દો પરંતુ જો તમારી પાસે વાકપટુતા હોય અને શબ્દોની ચાલાકી સમજતા હોવ તો ગાળની કોઇ જરૂર નથી.'
આ સેલિબ્રિટીઓએ પણ નોંધાવ્યો વિરોધ
સુપરસ્ટાર સિંગર બી પ્રાકે એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે મને ગેસ્ટ તરીકે આ શોમાં જવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ હવે તે નહીં જાય. બીજી તરફ સિંગર મીકા સિંહે પણ રણવીરની કોમેન્ટને વાહિયાત ગણાવી છે. આ સાથે જ બોલિવૂડ એક્ટર અને શક્તિમાન બનેલા મુકેશ ખન્નાએ પણ રણવીર અલ્હાબાદિયાની ટીકા કરી હતી.
નવું નથી કોમેડીમાં અશ્લીલતા
મનોવિજ્ઞાનની એક ટર્મ છે રિલીઝ અથવા રિલીફ થ્યોરી. જેમાં લોકો તે વાતો કરે છે જેને કરવી અથવા સાંભળવી ખાસ કરીને વર્જિત છે. ટૈબૂ સબજેક્ટ પર વાત એમ જ નથી થતી તેને કોમેડીમાં લપેટીને પરોસવામાં અથવા સાંભળવામાં આવે છે. ખાસ કરીને સ્ટેન્ડઅપ અથવા મોર્ડન કોમેડીમાં. હવે કેટલીક આવી જ અશ્લીલ કોમેન્ટને કારણે વિવાદ થયો છે.
શું વધારે પડતા બોલ્ડનેસ માટે કોઇ સેન્સરશિપની છે?
દેશમાં અત્યારે સ્ટેન્ડઅપ કોમેડી અથવા આ રીતના શો માટે કોઇ ઓફિશિયલ સેન્સરશિપ નથી પરંતુ જરૂર પડવા પર કેટલાક ખાસ નિયમનો ઉપયોગ થઇ શકે છે. IT એક્ટની કલમ 67 હેઠળ ઇન્ટરનેટ પર અશ્લીલ કન્ટેન્ટ પોસ્ટ કરવા પર સજા થઇ શકે છે. જો કોઇ સેક્યુઅલ મજાક, કોઇ ધર્મ, જાતિ અથવા મહિલા વિરોધી ટોનમાં હોય ત્યારે પણ કેસ કરવામાં આવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નો સ્ટેન્ડઅપ અથવા લાઇવ ઇવેન્ટ્સ પર કોઇ કંટ્રોલ નથી.