
દિગ્ગજ ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારના નિધનથી માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પીએમ મોદીથી લઈને ઘણા સેલેબ્સ અને ફેન્સે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અહીં જાણો પીઢ અભિનેતાના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે?
મનોજ કુમારના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે?
મનોજ કુમારના પાર્થિવ દેહને હાલમાં હોસ્પિટલમાં રાખવામાં આવશે. તેમનો પુત્ર કુના ગોસ્વામી મુંબઈમાં છે પરંતુ દિવંગત અભિનેતાના ઘણા સંબંધીઓ વિદેશમાં છે અને તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અભિનેતાના અંતિમ સંસ્કાર આવતીકાલે 12 વાગ્યે વિલે પાર્લે સ્થિત હિન્દુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.
મનોજ કુમારના મૃત્યુનું કારણ શું છે?
અહેવાલો અનુસાર, મનોજ કુમારનું મૃત્યુ એક્યૂટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા ગંભીર હાર્ટ એટેકના પરિણામે કાર્ડિયોજેનિક શોકને કારણે થયું હતું. અહેવાલો અનુસાર, અભિનેતા કેટલાક મહિનાઓથી ડીકોમ્પેન્સેટેડ લીવર સિરોસિસથી પીડિત હતા. આ કારણે તેમની તબિયત લથડી હતી અને આજે સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
મનોજ કુમારના પુત્રએ શું કહ્યું?
મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા પિતાના નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો હતો. તેણે આંખોમાં આંસુ સાથે કહ્યું, "મારા પિતા મનોજ કુમારનું આજે સવારે 3:30 વાગ્યે કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા, પરંતુ તેમણે બહાદુરીથી દરેક અવરોધનો સામનો કર્યો હતો. ભગવાનની કૃપા અને સાંઈ બાબાના આશીર્વાદથી તેમણે શાંતિથી અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. સિયા રામ."
મનોજ કુમારના નિધન સાથે બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો
મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન મનોજ કુમાર રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના પર કેન્દ્રિત ફિલ્મોમાં તેમના અભિનય અને દિગ્દર્શન બંને માટે જાણીતા હતા. ભારતીય સિનેમામાં કુમારના યોગદાનને કારણે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને વિવિધ શ્રેણીઓમાં સાત ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે.