
આણંદ શહેરમાં બેફામ રીતે રખડતા ઢોરોને ભારે જહેમતથી પકડીને નગરપાલિકા તંત્રએ ઢોર ડબ્બામાં પૂર્યા હતા. આ ઢોર ડબ્બામાં તોડફોડ કરી 50થી વધુ પશુઓ લઈ ટોળકી પલાયન થઈ ગઈ હતી. જેથી આણંદ પોલીસે ગણતરીના કલાકોમાં છ લોકોને ઝડપી પાડયા હતા.
આણંદ નગરપાલિકાના ઢોર ડબ્બામાંથી 50 કરતાં વધુ પશુઓને લઈ ટોળકી ફરાર થઈ ગઈ હતી. જો કે, મળતી માહિતી અનુસાર, નગરપાલિકા તંત્ર રસ્તે રખડતા ઢોરોને ઢોર ડબ્બામાં પૂર્યા હતા. પરંતુ આ ઢોરડબ્બામાં પૂરેલા 50થી વધુ વિવિધ પશુઓને છોડાવી છ લોકો ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આણંદ પોલીસે ગણતરીના કલાકોમાં છ લોકોને ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની સઘન તપાસમાં મહત્વનો ખુલાસો થયો હતો કે, રખડતા પશુ પકડવાની કામગીરી કરતા વ્યક્તિએ જ અન્ય લોકોં સાથે મળી ઢોર છોડાવવા આ કાવતરું રચ્યું હતું. ટોળકીએ નકલી ચાવી વડે મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઢોર લઇ ફરાર થઇ ગયા હતા. ટોળકી ઢોર છોડાવ્યા બાદ તેને બજારમાં છુટ્ટા મૂકી દેતા હતા. આ બધામાં અંદાજીત પોણા ત્રણ લાખનું નુકશાન થયું હતું. જેથી પોલીસે અર્જુન મનુ પરમાર, ભદ્રેશ રબારી, સતીશ રબારી, સુજય પટેલ, દશરથ રબારી, દશરથ ચરણ રબારીની ધરપકડ કરી હતી.