
જાપાનના દક્ષિણ ટાપુ ઓકિનાવા સ્થિત અમેરિકન એરબેઝમાં ભયાનક વિસ્ફોટ થતાં ચાર જાપાની સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, ઓકિનાવા સ્થિત એક બિલ્ડિંગ પાસે વિસ્ફોટ થયો છે, અહીં કામ કરતા સૈનિકોને આંગળીઓમાં ઈજાઓ થઈ છે. બીજા વિશ્વયુદ્ધની સૌથી ભીષણ લડાઈઓમાંની એક ઓકિનાવામાં લડાઈ હતી.
વિસ્ફોટ અંગે અમેરિકાએ શું કહ્યું?
સ્થાનીક અધિકારીઓએ કહ્યું કે, સૈનિકોને થયેલી ઈજાઓ જીવલેણ નહોતી. અમેરિકન એરફોર્સે એક નિવેદનમાં કહ્યું છે કે, વિસ્ફોટ ઓકિનાવા પ્રાંતની સરકાર દ્વારા સંચાલિત કડેના એર બેઝ ખાતે દારૂગોળો સંગ્રહ વિસ્તારમાં થયો છે. આ ઘટનામાં કોઈ અમેરિકન સૈનિકો સામેલ નહોતા.
ઉપકરણમાં અચાનક બ્લાસ્ટ થયો
સેલ્ફ-ડિફેન્સ ફોર્સ જોઈન્ટ સ્ટાફે કહ્યું કે, સૈનિકો જ્યારે એક સ્થળે નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે ઉપકરણમાં અચાનક વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સૈનિકો ઉપકરણ પરથી કાટ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે વિસ્ફોટ થયો હતો. SDFએ કહ્યું કે, તેઓ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.