
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે ભારતીય સેનાએ 7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' હેઠળ એર સ્ટ્રાઇક 9 આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે.
સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો વાઈરલ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર અને અન્ય ભારતીય સીમાઓ પર સતત હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરૂવાર રાતથી સ્થિતિ વધારે નાજૂક બની છે. આવી નાજૂક પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં PIB (Press Information Bureau) એ આવા ફેક વીડિયોના કારણે તણાવ વધે નહીં તે માટે વીડિયો અને માહિતીઓની પુષ્ટિ કરી રહ્યું છે.
PIBએ ફેક્ટ ચેક કરી આપી માહિતી
શુક્રવારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ એક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જમ્મુ વાયુસેના એરબેઝ પર વિસ્ફોટના દાવાઓને ખોટા ગણાવ્યા હતા. PIB ફેક્ટ ચેક મુજબ, જે તસવીર ફરતી થઈ રહી છે તે જૂની છે. તેમજ જમ્મુ એરફોર્સ બેઝની નહિ પરંતુ વર્ષ 2021માં થયેલા કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટની છે.
આ મામલે PIBએ જાણકારી આપતા કહ્યું છે કે, 'ભારતમાં જમ્મુ એરફોર્સ બેઝ પર અનેક હુમલાના ખોટા દાવા સાથે એક જૂની તસવીર વાઈરલ થઇ રહી છે. આ તસવીર ઓગસ્ટ 2021 માં કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટની છે. અહીં તે સમયનો એક રિપોર્ટ છે. ખોટી માહિતીમાં ન ફેલાવશો. શેર કરતા પહેલા હંમેશા ચકાસણી કરો!'